ગીતશાસ્ત્ર 115 - પવિત્ર બાઈબલ1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન; તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે. 2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે: “તમારા દેવ ક્યાં છે?” 3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે. 4 તેઓના દેવો સોના ચાંદીના જ છે; તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે. 5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી; તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી. 6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે, પણ, તેઓ સૂંઘી શકતા નથી. 7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી; તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી. તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી. 8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે. 9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો. તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે. 10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો, તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે. 11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો, તે તમારા મદદગાર અને ઢાલ છે. 12 યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે. 13 હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે. 14 યહોવા ખચીત તમારા છોકરાંની તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે. 15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે. 16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. 17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા. 18 પણ અમે આજથી સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ થાઓ! |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International