ગીતશાસ્ત્ર 11 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. દાઉદનું ગીત. 1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?” 2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે. 3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે? 4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે. 5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે. 6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે. 7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International