ગીતશાસ્ત્ર 108 - પવિત્ર બાઈબલદાઉદનું ગીત. 1 હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ. ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ. 2 જાગો, ઓ વીણા અને સારંગી; ચાલો આપણે પ્રભાતને જગાડીએ. 3 “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.” 4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે. 5 હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો! ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ! 6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો. 7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ. 8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે. 9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!” 10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે? 11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે? 12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે! 13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International