ગીતશાસ્ત્ર 102 - પવિત્ર બાઈબલએક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે. 1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને કાન પર આવવા દો. 2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો; કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો. 3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે. 4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે; તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું. 5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું. 6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું; વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો. 7 હું જાગતો પડ્યો રહું છું, છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું. 8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે; અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે. 9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું; મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે. 10 તે તમારા રોષ તથા કોપને કારણે છે; કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે. 11 મારા દિવસો નમતી છાયા જેવા છે; ઘાસની જેમ હું કરમાઇ ગયો છું. 12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો! પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો. 13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો. તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે. 14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે. 15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે, અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે! 16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે; અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે! 17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે; અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી. 18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો; જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે. અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે. 19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે. 20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે, જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે. 21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે. 22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે. 23 મારા જીવનનાં મધ્યાહને તેમણે મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા. 24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો. 25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં. 26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો; તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે; અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે, તેમ તમે પણ તેઓને બદલી નાંખશો. 27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી; અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ. 28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે, અને તેમનાં વંશજો તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International