નીતિવચનો 9 - પવિત્ર બાઈબલજ્ઞાન-અજ્ઞાનની ઉજવણી 1 જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે; 2 તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે. 3 તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, 4 “કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે, 5 આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ. 6 તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માર્ગે ચાલો.” 7 જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે. 8 ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9 જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે. 10 યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11 જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વર્ષો વધશે. 12 જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે. મૂર્ખ સ્ત્રી કંકાસિપણ 13 મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે. 14 તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે. 15 ત્યાંથી તેણી પોતાને માર્ગે ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે. 16 “જે કોઇ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે;” અને બુદ્ધિહીનને તેણી કહે છે કે, 17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.” 18 પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International