Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 8 - પવિત્ર બાઈબલ


જ્ઞાનનું સ્તવન

1 જ્ઞાન બોલાવે છે અને સમજણ મોટેથી બૂમો પાડે છે.

2 ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે

3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:

4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.

5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.

6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.

7 હું સાચું જ બોલીશ, જૂઠાને હું ધિક્કારું છું.

8 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.

9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.

10 રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.

11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.


જ્ઞાન શું કરે છે

12 “હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.

13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.

14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે. મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.

15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.

16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.

17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

18 ધન અને સન્માન મારા હાથમાં છે. મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.

19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.

20 હું સદાચારને માર્ગે ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.

21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેમના ભંડારો ભરપૂર કરું છું.

22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.

23 લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.

24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા ત્યારે મારો જન્મ થયો હતો.

25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.

26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં. અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.

27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.

28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.

29 જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી. અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.

30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી; અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી; અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.

31 તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી. અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.

32 “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માર્ગે ચાલે છે તેઓ સુખ પામે છે.

33 મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ, અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.

34 તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે, તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.

35 કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.

36 પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાને, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan