Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 6 - પવિત્ર બાઈબલ


પ્રકીર્ણ વચનો

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,

2 તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય,

3 તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર.

4 સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.

5 હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.


આળસુના બનો

6 ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.

7 તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી.

8 છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.

9 ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?

10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”

11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.


દુષ્ટ માણસ

12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે.

13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે.

14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.

15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.


એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે

16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.

17 તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ, નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,

18 દુષ્ટ કાવતરાં રચનાર હૃદય, નુકશાન કરવા દોડી જતા પગ,

19 શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી. અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.

21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે.

22 તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.

23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.

24 એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે.

25 તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ.

26 કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે.

27 જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે?

28 જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?

29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.

30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા.

31 પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ.

32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

33 તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.

34 કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ.

35 તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan