Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 30 - પવિત્ર બાઈબલ


યાકેહના પુત્ર આગૂરનાઁ બોધ વચન

1 આ, માસાહના યાકેહના પુત્ર આગૂરનાઁ વચનો છે. માનવીનો બોધ: ઇથીએલ અને ઉક્કાલને.

2 નિશ્ચિતરીતે હું માણસોની વચ્ચે મહામૂર્ખ છું. હું માનવ જેવો નથી. મારામાં માણસ જેવી બુદ્ધિ નથી.

3 હું જ્ઞાન શીખ્યો નથી કે નથી મને પવિત્ર ઇશ્વરનું જ્ઞાન નથી.

4 આકાશમાં કોણ ચડ્યો છે, અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને મૂઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પાણીને પોતાના ઝભ્ભામાં બાંધ્યું છે? પૃથ્વીની સીમાઓ બધી કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય, તો તેનું નામ શું છે? અને તેના પુત્રનું નામ શું છે?

5 દેવનું પ્રત્યેક વચન પરખેલું છે; જેઓ તેમનામાં આશ્રય શોધે છે તેમના માટે તે ઢાલ છે.

6 તેનાઁ વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, નહિ તો તે તને ઠપકો આપશે ને તું જૂઠા તરીકે પૂરવાર થઇશ.

7 હે યહોવા, મેં તમારી પાસે બે વરદાન માગ્યાઁ છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના પાડીશ નહિ.

8 અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજે, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપ; મને જરૂર જેટલો રોટલો આપજે.

9 નહિ તો કદાચ હું વધારે સંતુષ્ટ થાવ અને તને નકારુ અને કહું કે, યહોવા કોણ છે? અથવા હું કદાચ ગરીબ થઇને ચોરી કરુ અને પછી મારા દેવના નામને ષ્ટ કરું.

10 નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર. રખેને તે તને શાપ દે, ને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.

11 એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી.

12 એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.

13 એવી પણ એક પેઢી છે કે જેમના ઘમંડનો પાર નથી અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે.

14 એવી પણ એક પેઢી છે કે જેમનાં દાંત તરવાર જેવા અને તેમના જડબા છરી જેવા હોય છે; તેઓ પૃથ્વી પરથી કંગાલોને અને લોકોમાંથી જરૂરિયાત મંદોને ભરખી જાય છે.

15 જળોને બે દીકરીઓ છે. તેઓ “આપો! આપો!” એમ ચીસો પાડે છે. જે કયારેય તૃપ્ત ન થાય, તેવી ત્રણ વસ્તુઓ છે. પરંતુ ચાર, એવા છે કે જે કદી “બસ” કહેતા નથી:

16 એટલે શેઓલ; વાંઝણીનું ઉદર, તરસી જમીન અને અગ્નિ, જે કદી “બસ” કહેતા નથી.

17 જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે, અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે.તેની આંખને ખીણના કાગડા ફોડી નાંખો અને ગીઘડા ખાઇ જાઓ.

18 ત્રણ વસ્તુઓ એવી છે, જે મારા માટે આશ્ચર્યજનક છે, પરંતુ ચાર, એવી છે જે મને સમજાતી નથી;

19 આકાશમાં ઊડતા ગરૂડની ચાલ, ખડક ઉપર ચાલતા સાપની ચાલ, મધદરિયે તરતા વહાણની ચાલ, અને યુવાન સ્ત્રી સાથેના પુરુષના વ્યવહાર.

20 વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે: તેણી ખાય છે અને મોં લૂછી નાખે છે અને કહે છે કે, “મેં કશું ખોટું કર્યુ નથી.”

21 ત્રણ વસ્તુઓથી ધરતી ધ્રુજે છે, પરંતુ ચાર, જે એનાથી સહન થતી નથી;

22 રાજગાદીએ બેઠેલો ગુલામ, અને ખોરાકની વિપુલતા માણતો મૂરખ,

23 પરણવા પામેલી પ્રેમથી વંચિત રહેલી સ્ત્રી, અને પોતાની શેઠાણીની જગાએ આવેલી દાસી.

24 પૃથ્વી પર ચાર વસ્તુ એવી છે, જે નાની છે, પણ અત્યંત હોશિયાર છે:

25 કીડી કંઇ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે.

26 ખડકમાં રહેતા સસલાં પણ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.

27 તીડોનો કોઇ રાજા હોતો નથી. છતાં તેઓ બધાં ટોળાબંધ નીકળે છે.

28 ઘરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો, છતાં તે રાજાઓના મહેલમાં પણ હોય છે.

29 ત્રણ પ્રાણીઓના પગલાં દમામદાર હોય છે, હા, ચારની ચાલ દમામદાર હોય છે.

30 એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઇને લીધે પીછે હઠ કરતો નથી.

31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમજ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઇ શકાય નહિ.

32 જો તેઁ ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અને કોઇ ભૂંડો વિચાર તેઁ કર્યો હોય, તો તારો હાથ તારો મોં પર મૂક.

33 કારણ કે દૂધ વલોવ્યાથી માખણનીકળે, અને નાક રગડવાથી લોહી નીકળે, તેમ ક્રોધને છંછેડવાથી ઝગડો ઊભો થાય છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan