નીતિવચનો 26 - પવિત્ર બાઈબલમૂર્ખ વિષે બોધ વચન 1 જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી. 2 જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી. 3 ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે દંડો છે. 4 મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય. 5 મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ. જેથી તે જાણી શકે કે તે પોતાને માને છે તેટલો બુદ્ધિશાળી નથી. 6 તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે. 7 મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે. 8 જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે. 9 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત. 10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે. 11 જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ કરેલી ભૂલ ફરી ફરીને કરે છે. 12 પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે. 13 આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.” 14 જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે. 15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે. 16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. 17 જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે. 18 જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે. 19 તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, “એ તો હું ગમત કરતો હતો.” એમ કહેનાર છે. 20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે. 21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે. 22 નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે. 23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે. 24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે. 25 જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે. 26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે. 27 જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે. 28 જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International