નીતિવચનો 22 - પવિત્ર બાઈબલ1 વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે. 2 દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને સર્જ્યા છે. 3 ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે. 4 ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે. 5 વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે. 6 બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ. 7 ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે. 8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે. 9 ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. 10 ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે. 11 જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે. 12 યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે. 13 આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય. 14 પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે. 15 બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે. 16 જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે. ત્રીસ બોધવચનો 17 જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ. 18 જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે. 19 હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે. 20 મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે, 21 આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે. – 1 – 22 ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ. 23 કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે. – 2 – 24 ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર. 25 રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે. – 3 – 26 કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ. 27 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે. – 4 – 28 તારા પિતૃઓએ તોડેલા જૂના સીમાના પથ્થર હઠાવીશ નહિ. – 5 – 29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International