નીતિવચનો 21 - પવિત્ર બાઈબલ1 રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે. 2 વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલાં સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે. 3 યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે. 4 ઘમંડી આખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધાં પાપ યુકત છે. 5 વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે. 6 જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે. 7 દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માર્ગે ચાલવાનો ઇન્કાર કરે છે. 8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે. 9 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે. 10 દુષ્ટ વ્યકિત અનિષ્ટ ઇચ્છે છે. તે પોતાના પડોશીઓ સાથે દયાળુતાથી વર્તતો નથી. 11 જ્યારે ઘમંડી વ્યકિતને શિક્ષા થાય છે, ત્યારે જ સરળ વ્યકિત શાણો બને છે ઉપદેશ મળતા શાણી વ્યકિતના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. 12 ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટમાર્ગોના પરિણામો પાસે તેમને મોકલી આપે છે. 13 જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ. 14 છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે. 15 ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે. 16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે. 17 જે મોજશોખનો રસિયો છે; તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો કયારે પણ ધનવાન નહિ બને. 18 દુષ્ટ લોકોનો બદલો નીતિમાન લોકો અને પ્રામાણિક માણસોનો બદલો કપટીને ભરવો પડશે. 19 કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઇ રહેવું સારું છે. 20 જ્ઞાની વ્યકિતના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ તેને સ્વાહા કરી જાય છે. 21 નીતિમત્તા અને વફાદારીના માર્ગે ચાલનારને જીવન, નીતિમત્તા અને સન્માન મળે છે. 22 જ્ઞાની વ્યકિત લડવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે તેની ઉપર આક્રમણ કરી શકે છે. 23 જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે. 24 અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે; તેનાં પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે. 25 આળસુ વ્યકિતની ઇચ્છાઓ જ તેને મારી નાખે છે. કારણ, તેના હાથ કામ કરવાની ના પાડે છે. 26 દુર્જન આખો દિવસ લોભ જ કર્યા કરે છે. પરંતુ ધમીર્ છૂટે હાથે આપે છે. 27 દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું? 28 જૂઠી સાક્ષી પૂરનારનું નાશ પામશે, પરંતુ જે વ્યકિત ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. 29 દુર્જન અનિષ્ટ કરવા માટે કૃત્તનિશ્ચયી હોય છે; પણ સજ્જન વ્યકિત તો પોતાનો માર્ગ સત્ય છે તે જાણે છે. 30 કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી. 31 યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International