નીતિવચનો 17 - પવિત્ર બાઈબલ1 જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે. 2 ડાહ્યો નોકર નકામા પુત્ર ઉપર અમલ ચલાવશે અને ભાઇઓ સાથે વારસામાંથી ભાગ લેશે. 3 ચાંદીની પરીક્ષા કુલડી કરે છે. સોનાની પરીક્ષા ભઠ્ઠી કરે છે. પણ અંત:કરણની પરીક્ષા યહોવા કરે છે. 4 જે કોઇ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ વ્યકિત છે, જે કોઇ કિન્ના ખોરી ભરેલી વાતો સાંભળે છે તે જુઠ્ઠો છે. 5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહાર દેવની નિંદા કરે છે; જે કોઇ કોઇની વિપત્તિને જોઇને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. 6 છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે. 7 મૂર્ખના મુખમાં ઉમદા વાણી શોભતી નથી, તો પછી મહાપુરુષના મુખમાં જૂઠી વાણી કેવી રીતે શોભે? 8 જેને બક્ષિસ મળે છે તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે. 9 દોષ જતો કરવાથી મૈત્રી વધે છે. પણ તેને જ વારંવાર સંભારવાથી મૈત્રી તૂટે છે. 10 મૂર્ખને સો ફટકા કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. 11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કર્યા કરે છે.આથી તેની સામે નિર્દય દૂત મોકલવામાં આવશે. 12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઇને મળજો; પણ મૂર્ખાઇ કરતો મૂર્ખ કોઇને ન મળો. 13 જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ. 14 ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો. 15 દોષિતને જે નિર્દોષ ઠરાવે અને નિર્દોષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે. 16 મૂર્ખના હાથમાં પૈસા શા કામના? તેનામાં અક્કલ તો છે નહિ, તે થોડો જ જ્ઞાન ખરીદવાનો છે? 17 મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે. 18 અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે. 19 પાપ ગમતું હોય છે તેને કજિયો ગમે છે; જે દ્વારમાર્ગ વિશાળ બનાવે છે. તે વિનાશ નોતરે છે. 20 કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે. 21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે, મૂર્ખના બાપને કદી આનંદ થતો નથી. 22 આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે. 23 દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે. 24 બુદ્ધિમાન વ્યકિતની આંખ જ્ઞાન ઉપર જ મંડાયેલી હોય છે, પણ મૂર્ખની આંખ ચોગરદમ ભટકે છે. 25 મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ લાગે છે. 26 નિર્દોષને દંડ કરવો એ સારું નથી, તેવી જ રીતે પ્રામાણિકપણાને તેની વિશ્વસનીયતા માટે દંડ ફટકારવો યોગ્ય નથી. 27 સાચો જાણકાર કરકસરથી બોલે છે, જે મગજ ઠંડુ રાખે એ ડાહ્યો છે. 28 બોલે નહિ તે મૂર્ખ પણ ડાહ્યામાં ગણાય, મોઢું સીવેલું રાખે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International