Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 15 - પવિત્ર બાઈબલ

1 નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

2 જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

3 યહોવાની દ્રષ્ટિ સર્વત્ર હોય છે તે ભલા અને ભૂંડા બધાં પર લક્ષ રાખે છે.

4 ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.

5 મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.

6 સજ્જનના ઘરમાં ધનનો ભંડાર છે. પણ દુર્જનની કમાણીમાં આફત હોય છે.

7 જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

8 દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

9 દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માર્ગે ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.

10 સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

11 શેઓલ તથા અબદોન યહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!

12 તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.

13 જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

14 જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.

15 દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.

16 મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.

17 સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.

18 ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.

19 આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.

20 ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.

21 અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.

22 સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.

23 પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

24 જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલ તરફ જતા રસ્તેથી પાછો વાળે છે.

25 યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

26 દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.

27 જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.

28 સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.

29 યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

30 આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.

31 જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

32 શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે. પણ સુધરવા માટેની શિક્ષા સાંભળનાર સમજણ મેળવે છે.

33 યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan