Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 12 - પવિત્ર બાઈબલ

1 જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.

2 ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.

3 દુષ્ટતા દ્વારા વ્યકિત સુરક્ષિત ઉભી ન રહીં શકે, ન્યાયનાં મૂળ કદી નહિ ઉખડે.

4 સદ્ગુણી સ્ત્રી પતિને મુગુટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.

5 ભલાના વિચાર ભલા હોય છે, ખોટાના મનસૂબા કપટભર્યા હોય છે.

6 દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.

7 દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.

8 લોકો વ્યકિતની તેની વિવેક બુદ્ધિ પ્રમાણે પ્રસંશા કરે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તિરસ્કૃત થશે.

9 અન્ન વગરના સમ્માન કરતાં મામૂલી વ્યકિત થઇને નોકર થવું એ વધારે સારૂં છે.

10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.

11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતોની પાછળ દોડનાર અક્કલ વગરનો છે.

12 દુષ્ટ લોકો અનિષ્ટ યોજનાઓની ઇચ્છા રાખે છે પણ સદાચારીના મૂળ તો ફળદ્રુપ છે.

13 દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.

14 માણસ પોતે બોલેલા શબ્દોને કારણે સારાપણાથી ભરાઇ જાય છે, તેને તેના કામનો બદલો મળે છે.

15 મૂર્ખ સમજે છે કે હું સાચો છું, પણ જે વ્યકિત સલાહ સાંભળે છે તે ડાહી છે.

16 મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.

17 એક ભરોસાપાત્ર સાક્ષી સત્ય કહે છે, પણ જૂઠો સાક્ષી છેતરે છે.

18 વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.

19 જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.

20 જેઓ ભૂંડી યોજનાઓ કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

21 સજ્જન પર કદી આફત આવતી નથી, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

22 યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.

23 ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.

24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

25 ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.

26 ભલો સાચો માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, દુર્જન તેને આડે માર્ગે દોરે છે.

27 આળસુ વ્યકિત પોતે કરેલો શિકાર રાંધતો નથી. પણ ઉદ્યમી માણસ મહામૂલી સંપત્તિ માણે છે.

28 ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માર્ગે મોત તો છે જ નહિ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan