Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 10 - પવિત્ર બાઈબલ


સુલેમાનના નીતિવચનો

1 જ્ઞાની પુત્ર પોતાના પિતાને હર્ષ ઉપજાવી સુખી કરે છે. અને મૂર્ખ પુત્ર પોતાની માતાને ભારરુપ છે.

2 કુમાર્ગે પ્રાપ્ત કરેલી સંપત્તિથી કશો લાભ નથી. પરંતુ સદાચારી જીવન વ્યકિતને મોતથી ઉગારે છે.

3 યહોવા સદાચારી માણસને ભૂખ્યો રાખતા નથી, પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નકારે છે.

4 આળસુ હાથ ગરીબી લાવે છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.

5 લણણી વખતે ડાહ્યો પુત્ર સંગ્રહ કરે છે પણ નિર્લજ્જ પુત્ર કાપણીના સમયે સૂઇ રહે છે.

6 સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે; પણ દુરાચારીનું મોઢું હિંસાને છુપાવે છે.

7 સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.

8 જ્ઞાની હૃદયવાળો આજ્ઞાને અનુસરશે: પણ લવારી કરનારો મૂર્ખ પાયમાલ થશે.

9 જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે.

10 જે વ્યકિત આંખ મિંચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે. અનેપરંતુ લવારી કરનાર નાશ પામશે.

11 સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.

12 ધિક્કાર ઝગડા ઊભા કરે છે પણ પ્રીતિ બધા ગુનાઓને ઢાંકે છે.

13 જ્ઞાની માણસની જીભને ટેરવે શાણપણ રહે છે.જ્યારે મૂર્ખને પીઠે ડફણાં પડે છે.

14 જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.

15 ધનવાનની સંપતિ કિલ્લેબંધ નગર છે, પરંતુ દરિદ્રતા દરિદ્રોનો નાશ કરે છે.

16 સદાચારી માણસની કમાણીં જીવન છે, પણ દુષ્ટમાણસે તેનાપાપો માટે ચૂકવ્યું છે.

17 જે શિખામણને સ્વીકારે છે, તે જીવનના રસ્તે છે, પણ જેઓ ઠપકાને ગણકારતા નથી તેઓ ભૂલો કરે છે.

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા બોલો છે, પણ કૂથલી કરનાર મૂર્ખ છે.

19 બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.

20 સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પરંતુ દુષ્ટનું હૃદય મૂલ્યહીન છે.

21 ન્યાયી માણસની વાણી ઘણાને પોષે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.

22 યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.

23 દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે પરંતુ શાણપણ પ્રાપ્ત કરવું એ સમજુને મન આનંદ છે.

24 દુરાચારી જેનાથી ડરે છે તે જ તેને માથે આવી પડે છે, જ્યારે સદાચારી જે ઇચ્છે છે તે જ તેને મળે છે.

25 વાવાઝોડું પસાર થતાં દુરાચારીનું નામ નિશાન રહેતું નથી. પણ સદાચારી માણસ હંમેશાં અડીખમ ઉભો રહે છે.

26 જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો તેમ આળસુ નોકર, જે માણસ તેને કામે મોકલે છે તેના માટે આફત રૂપ છે.

27 યહોવાથી ડરીને ચાલનારનું આયુષ્ય વધે છે, પણ દુષ્ટ વ્યકિતનુ આયુષ્ય ઘટે છે.

28 ન્યાયીની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટ વ્યકિતની આશાઓ ભાંગીને ભૂક્કો થઇ જશે.

29 જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેમના માટે યહોવાનો માર્ગ કિલ્લારૂપ છે; પરંતુ અનિષ્ટ આચરનારા માટે વિનાશરૂપ છે.

30 ન્યાયીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો ક્યાંય ઠરીઠામ થઇ કાયમ રહેશે નહિ.

31 ન્યાયીઓના મુખે ડહાપણ ઝરે છે, પરંતુ છેતરામણા શબ્દો નાશ પામે છે.

32 સંતોષકારક અને ઉચિત શું છે તે ન્યાયીની વાણી જાણે છે. પરંતુ દુષ્ટોની વાણી છેતરામણી હોય છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan