Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 21 - પવિત્ર બાઈબલ


કનાનીઓ પર વિજય

1 જયારે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ સાંભળ્યું કે ઇસ્રાએલી પ્રજા અથારીમ તરફ જઈ રહી છે ત્યારે તેણે પોતાના સૈન્યને એકત્ર કરીને તેમના ઉપર હુમલો કરીને તેમાંના કેટલાકને બંદીવાન તરીકે પકડી લીધાં.

2 તેથી ઇસ્રાએલીઓએ યહોવાને વચન આપ્યું કે, “તું જો આ લોકોને અમાંરા હાથમાં સોંપી દે તો અમે એમનાં ગામો યહોવાને અર્પણ કરીશું અને તેઓનો સંપૂર્ણ નાશ કરીશું.”

3 યહોવાએ ઇસ્રાએલીઓની વિનંતી માંન્ય રાખી કનાનીઓને હરાવ્યા અને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા. ઇસ્રાએલીઓએ તેઓનો તથા તેમના નગરોનો સંપૂર્ણ નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માંહ પાડયું.


પિત્તળનો સાપ

4 ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.

5 તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”

6 ત્યારે યહોવાએ તેમની વચ્ચે તેઓને શિક્ષા કરવા ઝેરી સાપ મોકલ્યા અને ઘણા ઇસ્રાએલી લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા.

7 તેથી લોકો મૂસા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યુ છે, તું અમને આ સર્પોથી છોડાવવા માંટે યહોવાને પ્રાર્થના કર.” તેથી મૂસાએ લોકો માંટે પ્રાર્થના કરી.

8 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઝેરી સાપના આકાર વાળો એક પિત્તળનો સાપ બનાવ અને તેને લાકડીની ટોચ પર મૂક, જેથી જેને સાપ કરડયા હોય તે તેને જોઈને સાજાં થઈ જાય.”

9 તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો, અને જેને જેને સાપ કરડયો હોય તે તેના તરફ જોતાં જ સાજા થઈ જતાં.


મોઆબનો પ્રવાસ

10 ઇસ્રાએલી પ્રજાએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં મુકામ કર્યો.

11 અને ઓબોથથી નીકળી તેમણે મોઆબની પૂર્વ સરહદે આવેલા અરણ્યમાં ઈયેઅબારીમમાં મુકામ કર્યો.

12 અને ત્યાંથી નીકળીને તેમણે ઝેરેદના ઝરાની ખીણ આગળ મુકામ કર્યો.

13 ત્યારબાદ તેમણે ઝેરેદથી નીકળી આર્નોન નદીની ઉત્તર બાજુએ અમોરીઓ વચ્ચેની સરહદ સુધી જતા અરણ્યમાં મુકામ કર્યો. આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.

14 આથી યહોવાના યુદ્ધોના ગ્રંથમાં લખ્યું છે, “આર્નોન નદી અને સૂફામાં વાહેબની ખીણો,

15 અને આર શહેરને મળતા ખીણો પર્વતો. આ જગ્યાઓ મોઆબની સરહદ પર આવેલી છે.”

16 ત્યારબાદ ઇસ્રાએલી પ્રજા મુસાફરી કરીને બએર (કૂવો) આવી. અહીંના કૂવા આગળ યહોવાએ મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને એકઠા કર અને હું તેઓને પાણી આપીશ.”

17 અને તે સમયે ઇસ્રાએલી લોકોએ આ ગીત ગાયું હતું: “હે કૂવા, તારું પાણી ઉપર આવો, તમને ગીતથી વધાવીશું અમે.

18 પ્રજાના આગેવાનોએ આ કૂવો ખોદ્યો છે અને, રાજદંડને લાકડીઓથી તેઓએ ખોદ્યો છે, આ તો અરણ્યમાં ભેટ છે.”

19 ત્યાંથી તેઓ અરણ્યમાં થઈને માંત્તાનાહ ગયા અને માંત્તાનાહથી નાહલીએલ, અને નાહલીએલથી બામોથ,

20 અને બામોથથી મોઆબીઓના પ્રદેશમાં પિસ્ગાહના શિખરની તળેટીમાં રણ તરફ આવેલી ખીણ તરફ ગયા.


સીહોન અને ઓગ

21 ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,

22 “કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવા માંટે રજા આપો, અમે તમાંરા ખેતરો કે દ્રાક્ષની વાડીઓમાં થઈને જઈશું નહિ, અમે તમાંરા કૂવાઓમાંથી પાણી પણ પીશું નહિ. અમે તમાંરી સરદહને પેલે પાર નહિ જઈએ ત્યાં સુધી અમે ફકત મુખ્ય રસ્તાઓ ઉપર જ ચાલીશું.”

23 પરંતુ સીહોને ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ. તેણે પોતાના સૈન્યને એકત્ર કર્યુ અને રણમાં ઇસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યાહાસ પાસે પહોંચી ગયો. ત્યાં તેઓની સાથે યુદ્ધ કર્યુ.

24 પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.

25 ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.

26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.

27 તેથી ગાયકોએ આ ગીત ગાયું છે: “જાઓ અને હેશ્બોન ફરીથી બાંધો, હાં, ચાલો આપણે સીહોનના શહેરને; મજબૂત બનાવી અને તેને ફરી વસાવીએ.

28 એક વખત હેશ્બોનમાંથી નીકળ્યાં હતાં આગ, જેમ સીહોનનાં લશ્કર; આર્નોનના પર્વતને ગળી જઈ, ભસ્મ કર્યુ મોઆબનું આર નગર.

29 આ શી તમાંરી દશા! મોઆબ તને દિલગીરી! કમોશના ભજનિકોનો નાશ! નિરાશ્રિત બનાવ્યો તને તારા દેવે, દિલગીરી! અને તમાંરી સ્ત્રીઓ બની, અમોરીઓના રાજા સીહોનની કેદી, દિલગીરી!

30 અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો, હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!”

31 આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.

32 મૂસાએ યાઝેર નગર પર કેવી રીતે હુમલો કરવો તેની જાસૂસી કરવા માંટે માંણસો મોકલ્યા. અને ઇસ્રાએલીઓએ આસપાસનાં ગામો સહિત યાઝેરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા.

33 પછી તેઓએ બાશાન તરફના રસ્તા પર મુસાફરી કરી, બાશાનનો રાજા ઓગ યુદ્ધ માંટે પોતાના સૈન્ય સાથે એડ્રેઈ આવ્યો.

34 યહોવાએ મૂસાને કહ્યું, “એનાથી ડરતો નહિ, કારણ કે મેં તેને, એની પ્રજાને અને તેના દેશને તમાંરા હાથમાં સોંપી દીધાં છે. હેશ્બોનમાં રહેતાં અમોરીઓના રાજા સીહોનની જેવી હાલત કરી, તેવી જ હાલત તમે તેની કરજો.”

35 અને એ પ્રમાંણે જ થયું. ઇસ્રાએલનો વિજય થયો. ઇસ્રાએલીઓએ રાજા ઓગ, તેના પુત્રો અને તેના સર્વ લોકોનો સંહાર કર્યો જીવતો પાછો જવા પામ્યો નહિ. અને ઇસ્રાએલીઓએ તેનો પ્રદેશ કબજે કરી લીધો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan