ગણના 12 - પવિત્ર બાઈબલમરિયમ અને હારુનની ઈર્ષ્યા 1 મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો. 2 તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?” યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા. 3 મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ. 4 યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.” તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા. 5 પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં, 6 “જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું. 7 પરંતુ માંરા સેવક મૂસાની વાત તો ન્યારી છે. માંરું આખું ઘર મેં એના વિશ્વાસે છોડયું છે. 8 હું એની સાથે તો મોઢામોઢ વાત કરું છું, હું ચોખ્ખી વાત કહું છું, મર્મોમાં બોલતો નથી, તેણે માંરું સ્વરૂપ નિહાળ્યું છે. તે પછી માંરા સેવક મૂસાની ટીકા કરતાં તમને ડર કેમ લાગતો નથી?” 9 પછી યહોવાનો કોપ તેમના પર ઉતર્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. 10 તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું. 11 ત્યારે તેણે મૂસાને પોકાર કર્યો, “માંરા ધણી, દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠાં છીએ તેને માંટે અમને શિક્ષા કરશો નહિ. 12 જન્મ વખતે જ જેનું અડધું માંસ ખવાઈ ગયું હોય એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો.” 13 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.” 14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.” 15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ. 16 ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International