Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 6 - પવિત્ર બાઈબલ


અધિક સમસ્યાઓ

1 જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં દીવાલો ફરી બાંધી છે, અને તેમાં એક પણ બાકોરૂં રહ્યું નથી, ભલે આ સાચું હોય પણ જોકે તે વખતે હજી મેં દરવાજાને બારણાં ચઢાવ્યાં નહોતાં.

2 ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.

3 તેથી મેં તેઓની પાસે સંદેશાવાહક મોકલીને આ જવાબ આપ્યો કે, “હું એક મોટું ચણતર કામ કરવામાં રોકાયેલો છું. માટે મારાથી આવી શકાય તેમ નથી. હું જો તમને મળવા આવું તો કામ અટકી પડે. હું એવું શું કામ કરું?”

4 તેઓએ મને એ જ સંદેશો ચાર વખત મોકલ્યો અને દરેક વખતે મેં તેમને એ જ પ્રત્યુતર આપ્યો.

5 એટલે પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના સેવકને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો;

6 તે આ પ્રમાણે હતો, “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, ને ગેશેમ પણ કહે છે કે, તું અને યહૂદીઓ બળવો કરવાનું વિચારો છો, અને તે કારણથી જ તેં દીવાલની મરામત કરવા માંડી છે.” એમ પણ કહેવાય છે કે તું પોતે એમનો રાજા બનવાની ઇચ્છા રાખે છે.

7 અને યરૂશાલેમ વિષે તને માહિતી આપવા માટે અને યહૂદામાં રાજા છે તેમ કહેવા માટે તેઁ પ્રબોધક નીમ્યા છે. રાજા આ અફવા વિષે સાંભળશે. તેથી ચાલ, આપણે સાથે યોજના ઘડીયે. “રાજાને આ અફવાની જાણ થયા વગર રહેવાની નથી. માટે આવો આપણે મળીને યોજના બનાવીએ.”

8 ત્યારે મેં તેને કહેવડાવ્યું કે, “તું જાણે છે કે તું જૂઠું બોલે છે. એ તો તારા મનની માત્ર કલ્પના જ છે.”

9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”

10 એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું: “આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.”

11 ત્યારે મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઇએ? મારા જેવો માણસ જીવ બચાવવા મંદિરમાં ભરાય? હું નહિ જાઉં.”

12 પછી મને ખ્યાલ આવ્યો કે દેવે તેને મોકલ્યો ન હતો પણ ટોબીયાએ અને સાન્બાલ્લાટે એને મારી વિરૂદ્ધ ભવિષ્યવાણી કરવા મહેનતાણું આપીને રોક્યો.

13 મને ગભરાવા માટે શમાયાને ભાડે રાખ્યો હતો, જેથી હું પાપ કરું. અને તેને પરિણામે તેમને મારા નામને કલંક લગાડવાની અને મારી હાંસી ઉડાવવાની તક મળે.

14 હે મારા દેવ! ટોબિયાને ને સાન્બાલ્લાટને તેઓએ કરેલા કાર્ય પ્રમાણે તું યાદ રાખજે, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતા હતાં, તેઓને પણ યાદ રાખજે.


દીવાલનું સમારકામ સમાપ્ત

15 દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ મહિનાના પચીસમાં દિવસે પૂરું થયું.

16 જ્યારે અમારી આજુબાજુના અમારા શત્રુઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ અતિશય ઉદાસ થઇ ગયા અને તેમને આ વાત સમજાઇ કે આ કામ તો અમારા દેવની મદદથી જ પૂરું થયું છે.

17 તદઉપરાંત તે સમયે યહૂદાના ઉમરાવોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમજ ટોબિયાએ પણ તેમને પત્રો મોકલ્યાં હતા.

18 યહૂદાના ઘણા લોકોએ તેને વફાદાર રહેવાના સમ ખાધા હતા, કારણકે તે આરાહનો પુત્ર શખાન્યાનો જમાઇ હતો; અને તેનો પુત્ર યહોહાનાન બેરેખ્યાના પુત્ર મશુલ્લામની પુત્રી સાથે પરણ્યો હતો.

19 તેમણે મને તેના સુકૃત્યો વિષે કહ્યું હતું. અને પછી તેઓએ તેને તે સર્વ કહ્યું જે મેં તેમને કહ્યું હતું, અને મને ડરાવવા માટે ટોબિયાએ અનેક ધમકીઓ આપતા પત્રો મોકલ્યા હતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan