Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 3 - પવિત્ર બાઈબલ


નગરની દીવાલની મરામત

1 મુખ્ય યાજક એલ્યાશીબે ઘેટાં દરવાજાનું નવેસરથી બાંધકામ ચાલું કર્યુ, પછી તેણે તેની પ્રતિષ્ઠા કરી અને પછી તેનાં બારણાં ચઢાવ્યાં; તેઓએ છેક હામ્મેઆહના ગુંબજ સુધી અને ત્યાંથી છેક હનાનએલના ગુંબજ સુધી દીવાલને પવિત્ર બનાવી.

2 યાજકો પાસે યરીખોના માણસો કામ કરતા હતા. અને ઇમ્રીનો પુત્ર ઝાક્કૂરે તેમની નજીક દીવાલ ફરી બાંધી.

3 હસ્સેનાઆહના વંશજોએ માછલી દરવાજો બાંધ્યો; તેમણે તેની પાસે બારસાખ ઊભી કરી અને બારણાં, આગળા અને ભૂંગળ ચઢાવી દીધાં.

4 એ પછીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી. તેની પાસે મશેઝાબએલનો પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાઅનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.

5 તેમની પછી તકોઆના માણસો સમારકામ કરતા હતા. પરંતુ તેમના આગેવાનોએ તેમના ધણીના કામમાં મદદ કરી નહિ.

6 પાસેઆહના પુત્ર યોયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ જૂના દરવાજાની મરામત કરતા હતા; તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના કમાડો ચઢાવ્યાઁ, અને મિજાગરાં જડીને દરવાજાના સળિયા બેસાડ્યા.

7 તેની પછીના ભાગનું સમારકામ ગિબયોની મલાટયાએ અને મેરોનોથી યાદોને કર્યુ, તેઓ ગિબયોન અને મિસ્પાહના હતાં. જે સ્થળો ફ્રાંત નદીની પશ્ચિમ બાજુના પ્રશાસકની તાબેદારીમાં હતા.

8 એ પછીના ભાગમાં હાર્હયાનો પુત્ર ઉઝિઝયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. સુગંધી દ્રવ્યો બનાવનાર હનાન્યાએ યરૂશાલેમનું સમારકામ છેક પહોળી દીવાલ સુધી કર્યુ.

9 પછીના ભાગનું સમારકામ હૂરના પુત્ર રફાયાએ કર્યુ, જે અડધા ઉપરાંત યરૂશાલેમનો પ્રશાસક હતો.

10 તેની પાસે હરૂમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હાશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.

11 હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથમોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.

12 હાલ્લોહેશનો પુત્ર શાલ્લુમ, જે યરૂશાલેમના બીજા અડધા ભાગનો પ્રશાસક હતો, તે તેની પુત્રીઓ સાથે તેની પછીના ભાગનું સમારકામ કરતો હતો.

13 હાનૂન અને ઝાનોઆહના માણસોએ ખીણના દરવાજાનું સમારકામ કર્યુ હતું. તેઓએ તે બાંધીને તેના કમાડ ચઢાવ્યાં અને તેમને મિજાગરાં જડ્યાં તથા દરવાજાના સળિયા બેસાડ્યા. તે પછી તેઓએ કચરા દરવાજા સુધી 1,000 હાથ જેટલી દીવાલનું સમારકામ કર્યુ હતું.

14 કચરાના દરવાજાનું સમારકામ રેખાબના પુત્ર માલ્કિયાએ કર્યું હતું. તે બેથહાક્કેરેમ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે તેને કમાડો ચઢાવ્યાં, તેને મિજાગરાઁ જડ્યાં અને દરવાજાના સળિયા બેસાડ્યા.

15 કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.

16 તેના પછી નહેમ્યા, જે આઝબૂકનો પુત્ર હતો અને બેથ-સૂરના અડધા પ્રાંતનો પ્રશાસક હતો, તેણે દાઉદની કબરોની સામે વાળી જગ્યાથી લઇને ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.

17 તેના પછી બાનીના પુત્ર રહૂમની આગેવાની હેઠળ તેના પછીના ભાગની મરામત લેવીઓ કરતા હતા, તેની પાસે હશાબ્યા, જે કઇલાહના અડધા જિલ્લાનો પ્રશાસક હતો તે પોતાના ભાગની મરામત કરતો હતો.

18 તેના પછીનું સમારકામ બાવ્વાય જે હેનાદાદનો પુત્ર હતો અને કઇલાહ જિલ્લાના અડધા ભાગનો પ્રશાસક હતો, તેની આગેવાની નીચે તેના સબંધીઓએ આ કામ કર્યુ.

19 તેના પછી યેશૂઆનો પુત્ર એઝેરે અન્ય ભાગનું સમારકામ કર્યુ. એઝેર મિસ્પાહના અડધા ભાગનો પ્રશાસક હતો, આ ભાગ સામેના રસ્તાથી લઇને તે જગ્યાએ જતો હતો જ્યાં ખૂણા પર શસ્રો મૂકવામાં આવતા હતાં.

20 ઝાક્કાયનો પુત્ર બારૂખે એના પછીના ભાગનું મરામત કર્યુ જે દરવાજાના, ખૂણાથી લઇને મુખ્ય યાજક એલ્યાશીબના ઘરના બારણાં સુધી જતો હતો.

21 તેના પછીના એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી.

22 પછીના ભાગની આસપાસ રહેતા યાજકોએ મરામત કરી.

23 તેના પછી બિન્યામીન તથા હાશ્શૂબે અન્ય ભાગની મરામત કરી જે તેમના ઘરની પોતાના ઘરનાં આગળના ભાગની મરામત કરી. અઝાર્યા જે માઅસેયાનો પુત્ર જે અનાન્યાનો પુત્ર હતો, પોતાના ઘર પાસે તેણે બાજુના ભાગની મરામત કરી.

24 હેનાદાદનો પુત્ર બિન્નૂઇ અઝાર્યાના ઘરથી તે ખૂણાના વળાંકથી માંડીને, દીવાલના ભાગની મરામત કરી.

25 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણામાં હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશના પુત્ર પદાયા મરામત કરતો હતો.

26 અને મંદિરના સેવક જે ઓફેલમાં રહેતા હતા, તેઓએ પૂર્વની બાજું પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાનું સમારકામ કર્યુ.

27 તેના પછી તકોઇઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલની દીવાલ સુધી અન્ય એક ભાગની મરામત કરી.

28 ઘોડા દરવાજા ઉપરની મરામત યાજકોએ કરી; દરેક જણ પોતપોતાના ઘરની મરામત કરતો હતો.

29 તેમના પછી ઇમ્મેરનો પુત્ર સાદોકે પોતાના ઘરની સામેના ભાગની મરામત કરી. તેના પછી શખાન્યાનો પુત્ર શમાયાએ મરામત કરી હતી.

30 તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂને બીજા એક ભાગની મરામત કરી. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશ્શુલામે તેના ઘરની સામે વાળા ભાગની મરામત કરી.

31 માલ્કિયા નામના સોનીએ મંદિરના સેવકો અને વેપારીઓના ઘરો સુધીનું, અને નિરીક્ષણ દરવાજાની સામે દીવાલના ખૂણા ઉપરની ઓરડીનું સમારકામ કર્યું.

32 દીવાલના ખૂણાની બાજુની ઓરડી તથા ઘેટાં દરવાજા વચ્ચેના ભાગનું સમારકામ સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan