મીખાહ 1 - પવિત્ર બાઈબલમીખાહને મળેલ દેવનો સંદેશ 1 યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે, 2 હે વિશ્વની સર્વ પ્રજાઓ, ધ્યાન આપો અને સાંભળો. દેવ યહોવા પોતાના પવિત્રમંદિરમાંથી, તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે. 3 જુઓ, યહોવા આવે છે! તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે. 4 તેમના પગ તળે, પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે. 5 આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો અને ઇસ્રાએલના કુળના અપરાધો યાકૂબનો અપરાધ છે સમરૂન! યહૂદિયાનું ઉચ્ચસ્થાન છે યરૂશાલેમ! સમરૂન પાપનું કારણ 6 તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું અને ખેડેલા ખેતર જેવું ખુલ્લું થશે જ્યાં દ્રાક્ષાવેલાની રોપણી થશે. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઇશ અને તેના પાયા ને ઉઘાડા કરી દઇશ. 7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે, મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે. અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ; કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે. મીખાહનું મહાન દુ:ખ 8 એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ. ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ, શિયાળવાની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળ કળીશ. 9 કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે હવે યહૂદિયા સુધી આવ્યો છે, મારા લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે, તેમના દરવાજા સુધી આવી પહોંચ્યો છે. 10 ગાથમાં તે કહેશો નહિ, વિલાપ કરશો નહિ; બેથલે-આફ્રાહ, તું ધૂળમાં આળોટ. 11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને, ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો. સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે; તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે. 12 મારોથના લોકો કંઇ સારાની રાહ જોવામાં નબળા બની ગયા, કારણકે, યહોવા તરફથી આફત યરૂશાલેમના દરવાજા સુધી આવી પહોંચી છે. 13 હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો; સિયોનની પુત્રી માટે તે પાપની શરુઆત હતી; અને તમારામાં ઇસ્રાએલના અપરાધ મળ્યા હતા. 14 અને તેથી મોરેશેથ-ગાથને વિદાય આપવી પડશે. આખ્ઝીબનાઁ કુળો, ઇસ્રાએલના રાજાઓ માટે છેતરામણાં હશે. 15 હે મારેશાહના રહેવાસીઓ, હું તમારા માટે એક વિજેતા લાવીશ, ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં આશ્રય લેશે. 16 તારાઁ પ્રિય સંતાનોને લીધે તારા માથાના વાળ કપાવ, ને તારું પોતાનું માથું મુંડાવ; અને ગીધના જેવા બોડા થઇ જાઓ, કારણ, તેઓને તમારાથી દૂર લઇ જવામાં આવનાર છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International