માથ્થી 7 - પવિત્ર બાઈબલઈસુ બીજાને દોષિત ન ઠરાવવા વિષે શિક્ષણ આપે છે ( લૂ. 6:37-38 , 41-42 ) 1 “બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. 2 તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે. 3 “જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? 4 તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! 5 ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ. 6 “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે. જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો ( લૂ. 11:9-13 ) 7 “દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. 8 કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે. 9 “તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે. અગત્યનો નિયમ 12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. આકાશ અને નરકનો માર્ગ ( લૂ. 13:24 ) 13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે. મનુષ્યોનાં કૃત્યોને ઓળખો ( લૂ. 6:43-44 ; 13:25-27 ) 15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો. 21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે. 22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’ એક ડાહ્યો અને એક મૂર્ખ માણસ ( લૂ. 6:47-49 ) 24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો. 26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.” 28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International