માથ્થી 2 - પવિત્ર બાઈબલજ્ઞાની માણસો ઈસુની મુલાકાતે 1 ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા. 2 જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે, “નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે. અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.” 3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા. 4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. 5 તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે. 6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.’” 7 પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી. હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો. 8 પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.” 9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો. 10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો. 11 જ્ઞાની માણસો જ્યાં બાળક હતું, તે ઘરે આવી પહોચ્યાં. તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ. તેઓએ નમન કર્યુ. અને તે બાળકનું ભજન કર્યુ. તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું, લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો. 12 પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી. આમ, જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા. ઈસુને લઈને માતા પિતાનું મિસર જવું 13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.” 14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા. 15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.” હેરોદે બેથલેહેમમાં કરેલી બધા જ બાળકોની હત્યા 16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો. 17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ: 18 “રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.” યૂસફ અને મરિયમનું મિસરમાંથી પુનરાગમન 19 હેરોદના મરણ પછી, પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો. જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું. 20 દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.” 21 તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો. 22 પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો. 23 યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International