માલાખી 3 - પવિત્ર બાઈબલ1 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે. 2 “પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે. 3 તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે. ને તે લેવીના પુત્રોને પવિત્ર કરીને અને ચોખ્ખાં સોનારૂપા જેવા કરીને સાચી રીતે અર્પણો કરાવડાવશે. 4 ફરી એક વાર યહોવા યહૂદા અને યરૂશાલેમના લોકો દ્વારા ચઢાવેલાં અર્પણો ઘણા સમય પહેલાની જેમ આનંદથી સ્વીકારશે.” 5 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.” દેવના લોકો દેવને લૂટે! 6 “હું યહોવા, ફરી જતો નથી, અને તેથી હે યાકૂબના વંશજો, તમારો સર્વનાશ થયો નથી. 7 તમારા પિતૃઓના સમયથી મારા નિયમોની ઉપેક્ષા કરી છે. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ. “પણ તમે કહેશો, ‘અમે તમારી પાસે પાછા કેવી રીતે આવીએ?’ 8 “હું પુછું છું, શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો. “પણ તમે કહો છો, ‘અમે શી રીતે તમને લૂંટીએ છીએ?’ “તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે. 9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.” 10 “ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ? 11 હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. 12 “ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. યહોવાનો ન્યાયનો મહાન દિવસ 13 યહોવા કહે છે, “તમે મને હંમેશા કઠોર વચનો કહ્યાં છે,” છતાં તમે પૂછો છો કે, “અમે તમારી વિરૂદ્ધ શું કહ્યું છે?” 14 સાંભળો, તમે એમ કહ્યું છે કે, “દેવની સેવા કરવી વૃથા છે, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને સૈન્યોનો દેવ યહોવા સમક્ષ આપણા પાપો માટે પસ્તાવો કરવાથી શો લાભ? 15 હવે અમને લાગે છે કે ઉદ્ધત લોકો જ સુખી છે, બૂરાં કામ કરનાર લહેર કરે છે. એટલું જ નહિ, તેઓ દેવને કસોટીએ ચડાવે છે અને છતાં તેમને કશું થતું નથી!” 16 ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી. 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને મારા ખાસ લોકો તરીકે ગણીશ. હું તેઓ સાથે દયાળું રહીશ. જેમ પિતા પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે દયા રાખે, તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ. 18 ત્યારે તમે ફરસાં અને સજ્જન અને દુર્જન વચ્ચેનો તથા યહોવાની સેવા કરનાર અને સેવા ન કરનાર વચ્ચેનો ભેદ સમજાશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International