Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયાનો વિલાપ 2 - પવિત્ર બાઈબલ


યરૂશાલેમ પર યહોવાનો પ્રકોપ

1 યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.

2 નિષ્ઠુરતાથી યહોવાએ યહૂદાની ભૂમિનાં બધાં નગરો જમીનદોસ્ત કરી દીધાં છે; તેણે તેના બધા કિલ્લાઓ ક્રોધે ભરાઇને તોડી પાડ્યા છે; અને તેના શાશકોને અપમાન જનક રીતે નીચા પાડ્યા છે.

3 તેણે ઇસ્રાએલની શકિત ભયંકર ક્રોધમાં આવીને હણી નાખી છે; તેણે તેઓને પોતાના શત્રુઓની વિરૂદ્ધ લડવા માટે મદદ કરી નહોતી. અને તેણે આજુબાજુનું બધુંયે ભડભડતા અગ્નિની જેમ બાળી નાખ્યુ.

4 અમને તેના દુશ્મનો સમજી તેણે અમારી વિરુદ્ધ ધનુષ્ય તાણ્યુ તે અમારી પર ત્રાટકવા પોતે જ તૈયાર થયો, ને સિયોનની બધી સોહામણી વ્યકિતઓનો તેણે સંહાર કર્યો, તેણે તેનો ક્રોધ અગ્નિની જેમ વરસાવ્યો.

5 યહોવા શત્રુના જેવા હતા, તેમણે ઇસ્રાએલનો નાશ કર્યો. હા, તેણે તેના મહેલો અને કિલ્લાઓનો નાશ કર્યો. તેણીને તેણે શોક કરવાનું નિમિત્ત આપ્યુ.

6 જ્યાં લોકો મંદિરમાં પૂજા કરતા હતા ત્યાં તેઓનો નાશ થયો, જેમ જમીન પર ઘાસનો નાશ થાય છે. બધાં વિશ્રામવારો-ઉત્સવો ભૂલાઈ ગયા. તેના ગુસ્સાથી યાજકો અને રાજા ઘૃણિત થયાં હતાં.

7 યહોવાએ પોતાની વેદીને નકારી અને તેણે પોતાના પવિત્ર સ્થાન ને જતું કર્યું છે; તેણે દુશ્મનના હાથે તેણીના મહેલની દીવાલોનો નાશ કરાવ્યો. પહેલા અમે યહોવાના મંદિરમાં ઉત્સવના પોકારો કરતા હતા; હવે ત્યાં દુશ્મનો કોલાહલ મચાવે છે.

8 તેણે સિયોનનગરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે, તેણે તેનુ માપ લીધું હતુ અને તેને તોડી પાડતાં થોભ્યો નહિ, તેણે કિલ્લાની અંદરની અને બહારની દીવાલોને તોડી પાડી. એક સાથે તે બધી નાશ થઇને પડી હતી.

9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે, તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે, પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન મળતું ન હતું.

10 જુઓ, સિયોન નગરનાં આગેવાનો, ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે. તેમણે માથા પર ધૂળ નાખી છે. તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે. અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં, દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!

11 રડી રડી આંખોનું તેજ ઘટી ગયું છે, ને મારા આંતરડા કકળી ઊઠયા છે, મારું હૃદય, લોકોના નાશને જોઇને ઓગળી રહ્યું છે; નગરનાં બાળકો રાજમાર્ગ પર મૂછિર્ત થઇ પડ્યા છે.

12 તેઓ પોતાની માતા પાસે રોટલી અને દ્રાક્ષારસની માંગણી કરે છે; જ્યારે તેઓ ઘવાયેલાઓની જેમ બેભાન થઇને શહેરની ગલીઓમાં પડ્યા છે, અથવા જ્યારે તેઓ પોતાની માતાની છાતી પર મૃત્યુ પામે છે.

13 તને શું કહું? હે યરૂશાલેમનગરી; હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું? તને કોની સાથે સરખાવી? તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?

14 તમારા પ્રબોધકોએ કહ્યું કે તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે અને તને છેતરે છે, અને તને તારા અપરાધો વિષે ન કહીને તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.

15 હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે; માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે, “શું આ એ જ સુંદરતાની મૂર્તિ અને જગતની આનંદનગરી છે!”

16 તારા શત્રુઓ મોં ઉઘાડી તારી હાંસી ઉડાવે છે, અને દાંત કચકચાવી ને ફિટકાર વરસાવે છે. આપણે જ એને પાયમાલ કરી છે, આપણે આ જ દિવસની રાહ જોતા હતા, જેની અમને પ્રતિક્ષા હતી અને અમને તે પ્રાપ્ત થયો છે.

17 યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું આ તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.

18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.

19 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠી, મોટેથી પ્રાર્થના કર; અને યહોવા સમક્ષ પાણીની જેમ હૃદય ઠાલવ. ભૂખથી ચકલે ચકલે મૂર્ચ્છા પામતાં તારાં બાળકનો જીવ બચાવવા યહોવા આગળ-તારો હાથ તેની ભણી ઊંચા કર.

20 આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?

21 વૃદ્ધો અને બાળકો રસ્તાની ધૂળમાં રઝળે છે, મારી કન્યાઓ અને યુવાનો તરવારનો ભોગ બન્યા છે; તારા રોષને દિવસે તેં તેમનો સંહાર કર્યો છે; તમે નિર્દયપણે, તેઓને રહેંસી નાખ્યાં છે.

22 જાણે કે ઉત્સવનો દિવસ હોય તેમ, તેં ચારે બાજુથી મારા ભયંકર દુશ્મનોને બોલાવ્યા છે. તારા રોષને દિવસે કોઇ છટકવા ન પામ્યા. તેમણે લાડથી ઉછરેલાં સહુને વધેરી નાખ્યાં છે અને શત્રુઓએ કોઇનેય જીવતો રાખ્યો નથી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan