Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોએલ 1 - પવિત્ર બાઈબલ


તીડો પાકને ખાઇ જશે

1 પથુએલના પુત્ર યોએલને સંભળાયેલી યહોવાની વાણી:

2 સાંભળો, હે ઇસ્રાએલના વડીલો! અને દેશના સર્વ વતનીઓ, તમે પણ ધ્યાન આપો! તમારા કે તમારા પૂર્વજોના સમયમાં કદી આવું બન્યું છે?

3 તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

4 તીડો તમારો બઘો પાક ખાઈ જશે. જે કાતરનારા તીડોએ છોડયું તે ગણગણતા તીડો ખાશે; જે ગણગણતા તીડોએ છોડયું તે કૂદતા તીડો ખાશે; છેલ્લે આંકરાંતિયા તીડ બચેલું બઘું ખાઈ જશે.


તીડોનું આગમન

5 હે છાકટાઓ, તમે જાગો અને આક્રંદ કરો! સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, જોરથી રડો! મીઠો દ્રાક્ષરસ તમારી પાસેથી લઈ લેવાયો છે.

6 કારણ, એક દેશે પૃથ્વીને ઢાંકી દીધી છે. તેઓ અગણિત છે. એમનાં દાંત સિંહના દાંત જેવા છે, તેમની દાઢો સિંહણની દાઢો જેવી છે.

7 તેઓએ મારી દ્રાક્ષની લતાઓનો નાશ કર્યો છે અને અંજીર વૃક્ષો પર ફકત પાતળી ડાળીઓ છોડી છે. તેઓએ તેની છાલ સંપૂર્ણત: ઉતારી લીધી છે અને તેને બાજુમાં ફેંકી દીઘું છે. ડાળીઓ સફેદ દેખાય છે.


લોકોનો આક્રંદ

8 કોઇ કુંવારી કન્યા પોતાના જુવાન પતિના અવસાનથી શોકના વસ્ત્રો પહેરીને આક્રંદ કરે તેમ તમે આક્રંદ કરો.

9 યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.

10 ખેતરો લૂંટાઇ ગયા છે. ભૂમિ આક્રંદ કરે છે. કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે. નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે. તેલ સુકાઇ જાય છે.

11 હે ધરતીના ખેડનારાઓ! પોક મૂકો, આક્રંદ કરો, હે દ્રાક્ષનીવાડીના માળીઓ! ઘઉં માટે અને જવ માટે પોક મૂકો; કારણ કે ખેતરોના પાકનો નાશ થયો છે.

12 દ્રાક્ષની વેલીઓ સુકાઇ રહી છે, અંજીર સુકાઈ રહ્યાં છે. દાડમ, તાડ, સફરજન અને ખેતરમા બધાં વૃક્ષો સૂકાઇ ગયા છે. લોકોમાંથી આનંદ જતો રહ્યો છે.

13 હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો. હે વેદીના સેવકો, આક્રંદ કરો. હે મારા દેવના સેવકો, શોકના વસ્ત્રોમાં આખી રાત ગાળો. તમારા દેવના ઘરમાં કોઇ ખાદ્યાર્પણ કે પેયાર્પણ નથી.


તીડોથી ભયંકર વિનાશ

14 પવિત્ર ઉપવાસની જાહેરાત કરો. પવિત્રસભા બોલાવો, તમારા દેવ યહોવાના મંદિરમાં આગેવાનોને અને દેશવાસીઓને ભેગા કરો, અને યહોવા આગળ રૂદન કરો.

15 અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે.

16 આપણી નજર સામે જ આપણું અન્ન અદ્રશ્ય થઇ ગયું. આપણા દેવના મંદિરમાંથી સર્વ આનંદ અને ઉત્સાહ ઊડી ગયા છે.

17 સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે.

18 ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે.

19 હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે.

20 હા, વનચર પશુઓ પણ પાણી માટે તમને પોકારે છે; કારણકે પાણીની ઘારાઓ સુકાઇ ગઇ છે, ને અગ્નિએ વનનો ઘાસચારો ભસ્મ કર્યો છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan