Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 42 - પવિત્ર બાઈબલ


અયૂબનો જવાબ

1 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

2 “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે. તને કોઇ અટકાવી શકે તેમ નથી.

3 યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’ મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

4 “તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે ને જવાબ આપવાનો વારો તારો છે.’

5 આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.

6 અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”


યહોવા અયૂબને એની સંપતિ પાછી આપે છેં

7 યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ.

8 તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

9 અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું.

11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.

12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી.

13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં.

14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું.

15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.

16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ.

17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan