અયૂબ 41 - પવિત્ર બાઈબલ1 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે? શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે? 2 શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે? તેના જડબામાં આંકડી ભરાવી શકે છે? 3 શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે? 4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે? 5 શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે? 6 શું તારી પાસેથી લિબ્યાથ ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે? તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે? 7 શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય? શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય? 8 “તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ. 9 શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે? ભૂલી જા! એમાં કોઇ આશા નથી. તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ. 10 તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઇ નથી. “તો મારી સામે કોણ ઊભો રહી શકે? 11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઇ નથી. 12 “હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ. 13 તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી. તેની ચામડી એક બખ્તર જેવી છે. 14 તેનું મોઢું કોણ ઉધાડી શકે? કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે. 15 મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર ઢાલ સંપૂર્ણપણે બંધ છે. 16 તે ઢાલો એક બીજાની એટલી નજીક છે કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી. 17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ. 18 તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે. તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે. 19 તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે. 20 ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે. 21 મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે. તેના મુખમાંથી ભડકા નીકળે છે. 22 તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ અને તેનાથી દૂર ભાગી જાય છે. 23 તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી. તે લોઢા જેવું કઠણ છે. 24 તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે. તેને કોઇ ડર નથી. 25 તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે. તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે. 26 મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે. તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી. 27 તેની આગળ લોખંડ ઘાસ જેવું અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે. 28 તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી. પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે. 29 જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે, અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે. 30 તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે. તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે. 31 મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે. ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે. 32 જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે. અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે. 33 પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી. 34 તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે. તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે. અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International