અયૂબ 40 - પવિત્ર બાઈબલ1 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે, 2 “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે? તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો. હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે? શું તું મને જવાબ આપીશ?” 3 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે, 4 “મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું. 5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.” 6 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે: 7 “તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા. 8 “અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ? તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિર્દોષ દેખાઇ શકીશ? 9 તારે મારા જેવા ભુજ છે? મારી જેમ તું ગર્જના કરી શકે છે? 10 તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે. જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ. 11 જો તું દેવ સમાન હોય, તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ. 12 હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ. 13 સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો. તેઓના મુખને કબરોમાં ઢાંકી દે. 14 જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે. 15 “ગેંડાની સામે જો. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તે બળદની જેમ ઘાસ ખાય છે. 16 તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે તેના શરીરમાં ઘણી શકિત છે. 17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે! 18 તેના હાડકાં કાંસા જેવા છે. તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે. 19 મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે. જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે. 20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે. 21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે. 22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે. 23 જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ. તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી. 24 તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે? તેના નાકમાં નથ કોણ નાખી શકે છે? |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International