અયૂબ 4 - પવિત્ર બાઈબલતેમાનના અલીફાઝનો સંવાદ 1 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે, 2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ? અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું? 3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે. 4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે. 5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે, ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે, જ્યારે તારો વારો આવ્યો છે ત્યારે તું ગભરાઇ જાય છે. 6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે? તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે? 7 વિચારી જો, નિર્દોષ લોકો કદી નાશ પામ્યા છે? કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે? 8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે, તેઓ તેવું જ તે લણે છે. 9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે, તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે. 10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે. પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે. 11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે. તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે. 12 “હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા. 13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં. 14 હું ભયથી જી ગયો અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં. 15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં. 16 તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી, અને ત્યાં શાંતિ હતી. પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો. 17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે? 18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી; એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે. 19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે. 20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે. તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી. 21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય તો આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.’” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International