અયૂબ 39 - પવિત્ર બાઈબલ1 “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે? 2 તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ? તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે? 3 તે પ્રાણીઓ નીચે સૂવે છે, તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે અને તેઓ તેઓના બચ્ચાને જન્મ આપે છે. 4 આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી. 5 “જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે? 6 મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે. મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે. 7 જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી. 8 જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે, કે જે તેઓનું ચરાણ છે. અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે. 9 “શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા? તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં? 10 જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો? શું તે તમારા માટે હળ ખેંચશે? 11 જંગલી બળદ ખૂબ શકિતશાળી છે! પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો? 12 ખળામાંથી દાણા લાવીને વખારમાં ભરવા માટે તેના પર ભરોસો રાખી શું તેને મોકલશો? 13 “શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે. તેની પાંખો અને પીંછાઓ બગલાંની પાંખો જેવા નથી. 14 તે પોતાનાં ઇંડા જમીન પર મૂકે છે અને તેઓ રેતીમાં હૂંફાળા થાય છે. 15 કોઇ પગ મૂકીને ઇંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા નથી. 16 તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાના હોય જ નહિ. તે મરી જાય તો પણ તેને તેમની કશી ચિંતા હોતી નથી. કે તેની તે બધી મહેનત નિરર્થક થઇ ગઇ હતી. 17 કારણકે દેવે તેને બુદ્ધિહીન સરજી છે; તેણે તેને અક્કલ આપી નથી. 18 પરંતુ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, તે ઘોડા અને તેના સવાર પર હસે છે, કારણકે તે કોઇપણ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. 19 “શું ઘોડાને તમે બળ આપો છો? તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો? 20 તીડની જેમ તમે તેને કુદાવો છો? તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે? 21 એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે. તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે. 22 તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે. તે તરવાર જોઇને પાછો પડતો નથી. 23 સૈનિકના તીરો નું ભાથું ઘોડાની બાજુમા જતા જે છે. ભાલો અને બીજા શસ્ત્રો જે તેનો સવાર ઊંચકીને લઇ જાય છે. તે સૂર્યથી ચળકે છે. 24 ઘોડો ઊશ્કેરાઇ જાય છે. તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે. જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે, તે સ્થિર રહી શકતો નથી. 25 રણશિંગડાના નાદે નાદે એ હણહણે છે. યુદ્ધની ગંધ તેને દૂરથી આવે છે. સેનાપતિઓના હુકમો અને હકોટા એ સમજી જાય છે. 26 “બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે? 27 શું તારી આજ્ઞાથી ગરૂડ પક્ષી ઊંચે ઊડે છે? શું તેં તેને પર્વતોમાં ઉંચે માળો બાંધવાનું કહ્યું હતું? 28 ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે. 29 ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે, તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે. 30 તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે, અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International