અયૂબ 32 - પવિત્ર બાઈબલઅલીહૂનું ઉદ્બોદન 1 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિર્દોષ હતો. 2 પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિર્દોષ અને દેવને દોષિત માનતો હતો. 3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો. 4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા; 5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. 6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે: “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ. 7 મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’ 8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે. 9 માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી. 10 “માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ મારો મત દર્શાવીશ.’ 11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો. 12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ. અયૂબને સામો જવાબ આપ્યો નહિ. 13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ. દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ. 14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી, અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ. 15 “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે, તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી, એમની પાસે હવે શબ્દો રહ્યા નથી. 16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે. 17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ, હું જે વિચારું છું તે કહીશ. 18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે. 19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે. 20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ. 21 હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું. 22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું, જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે! |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International