અયૂબ 29 - પવિત્ર બાઈબલઅયૂબનો રોષ 1 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું: 2 “હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત. તે વખતે દેવ મારું ધ્યાન રાખતા હતા અને મારી સંભાળ લેતા હતા. 3 ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો. 4 હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા. 5 તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા અને મારા સંતાનો મને વીંટળાયેલા રહેતા હતાં. 6 તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો અને મારી પાસે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારુ તેલ હતું. 7 “એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો. 8 ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં અને વૃદ્ધો ઊભા થઇને મને માન આપતા હતાં. 9 નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતાં. 10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા. તેઓની જીભ તેઓના મોઢાના તાળવે ચોંટી ગઇ. 11 મેં જે કહ્યું તે લોકોએ સાંભળ્યુઁ અને પછી મારા વિશે સારી વાતો કરી. મેં જે કર્યું તે લોકોએ જોયું અને પ્રસંશા કરી. 12 કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો, મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું. 13 જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં. વિધવાઓના હૈયા હું ઠારતો હતો. 14 સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા. 15 હું અંધજનોની આંખ સમાન હતો. તેઓને જ્યાં ક્યાંય પણ જવાની ઇચ્છા હતી, મેં તેઓને રસ્તો બતાવ્યો. અને હું લંગડા માટે પગ સમાન હતો. તેઓ જ્યાં જવાં માંગતા હતા હું તેઓને ઊંચકીને લઇ ગયો. 16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. મેં લોકોને ન્યાયાલયમાં તેઓની દલીલો જીતવા મદદ કરી જેઓને હું જાણતો પણ ન હતો. 17 મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા અને નિર્દોષ લોકોને તેઓથી બચાવ્યા. 18 “હું આખો વખત વિચાર કરતો કે હું મારી આસપાસ મારા કુટુંબ સાથે લાંબુ જીવન જીવીશ. 19 મેં વિચાર્યુ, હું નીરોગી છોડ જેના મૂળિયા ને ખૂબ પાણી છે અને જેની ડાળીઓ ઝાકળથી ભીની છે તેના જેવો તંદુરસ્ત અને મરદાન પુરુષ થઇશ. 20 મેં વિચાર્યું દરેક નવો દિવસ તેજસ્વી અને નવી અને ઉત્તેજિત વસ્તુઓથી ભરેલો હશે. 21 “લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતાં, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા. 22 મારા બોલી રહ્યાં પછી એ કોઇ દલીલ કરતા ન હતા. કારણકે મારી સલાહથી તેઓને સંતોષ થતો હતો. 23 જેમ પ્રતિકૂળ સમયમાં વરસાદની રાહ જોવાતી હોય તેવી રીતે લોકોએ મારી સલાહ માટે આતુરતાપૂર્વક રાહ જોઇ. મારા શબ્દો જાણે વસંત ઋતુનો વરસાદ હોય. તેમ તેઓ તેનો આસ્વાદ માણી રહ્યાં હતા. 24 તેઓ વિશ્વાસ કરી શકતા નહિ. ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો. મારા સ્મિતે તેઓને સારું લગાડ્યું. 25 હું એમની વચ્ચે વડીલની જેમ બેસી અને તેઓની બધી બાબતોનો ઉકેલ લાવતો. હું છાવણીમાં તેના લશ્કર સાથેના એક રાજા જેવો હતો, અને જ્યારે તેઓ નિરાશ-હતાશ થતા ત્યારે હું તેમને હિંમત અને આશ્વાસન આપતો હતો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International