Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 28 - પવિત્ર બાઈબલ


જ્ઞાનનાં ગુણગાન

1 “ત્યાં ચાંદીની ખાણો છે. ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.

2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.

3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે, ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.

4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે. તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે. તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.

5 ધરતીની ઉપર અનાજ ઊગે છે પણ નીચે તો બધું અલગ જ છે જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.

6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.

7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી. શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.

8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.

9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.

10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.

11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.

12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે? સમજશકિત ક્યાં મળી શકે?

13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે. પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.

14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’ મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’

15 તે સોનાથી ખરીદી શકાય નહિ. આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.

16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.

17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી. કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.

18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી. જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.

19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી. શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.

20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે? આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?

21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે. આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.

22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’

23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે, એને એના રહેઠાણની ખબર છે.

24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે, આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.

25 જ્યારે દેવ પવનનું વજન કરે છે અને તે પાણીને માપથી નાખે છે.

26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,

27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ. દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.

28 તેણે માણસને કહ્યું, ‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan