અયૂબ 24 - પવિત્ર બાઈબલ1 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે? પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી. 2 “કારણકે દુષ્ટો પારકાની જમીન પચાવી પાડવાં સંપતિની આંકણી કરનારાઓને બદલી નાખે છે, તેઓ ઘેટાંબકરાં ચોરી જાય છે અને ચરાવે છે. 3 તેઓ અનાથોની માલિકીના ગધેડાઓને ચોરી જાય છે અને વિધવાની માલિકીના બળદોને જ્યાં સુધી તે તેનું દેવું તેઓને ચૂકવે નહિ ત્યાં સુધી લઇ લે છે. 4 તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે. અને બધા ગરીબ લોકોને આ દુષ્ટ લોકોથી છુપાવાની ફરજ પાડવામાં આવે છે. 5 “જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે. તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે. તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા, તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે. 6 ગરીબ લોકોએ ખેતરમાં સૂકું ઘાસ અને પરાળ કાપતા મોડી રાત સુધી કામ કરવું જોઇએ. તેઓએ દ્રાક્ષની વાડીમાં દ્રાક્ષ ભેગી કરીને ધનવાન લોકો માટે કામ કરવું જોઇએ. 7 તેઓ અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે અને દુષ્ટ લોકોનું વધ્યું ઘટયું ખાવાનું ખાય છે. 8 તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે. ઠંડીમાં ઓઢવા માટે એમની પાસે કાઇં હોતું નથી. 9 બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે. ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે. 10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે છતાં પણ તેઓ ભૂખ્યાં રહે છે. 11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે. તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે. 12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો. ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી. 13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે, તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે? અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી. 14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે. 15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે. ‘તને લાગે છે તેને કોઇ જોઇ શકે તેમ નથી’ તે છતાં પણ તે તેનું મોઢું ઢાંકે છે. 16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે. 17 અંધારી રાત એ તેઓની સવાર છે; અંધકારના ભય સાથે તેઓ ફકત મિત્રતાજ રાખે છે. 18 “દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે. એની જમીનને દેવનો શાપ લાગે છે. તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ. 19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે. 20 તેની માતા તેને ભૂલી જશે. કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે, તેને કોઇ સંભારશે નહિ, દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે. 21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે. તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી. 22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે. દુષ્ટ લોકો કદાચ સત્તા મેળવે પણ તેઓ પોતાના જીવનનો કોઇ વિશ્વાસ કરી શકતા નથી. 23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે. પરંતુ તેઓના માર્ગો ઉપર દેવની નજર છે. 24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી. બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે. 25 “કોણ કહી શકશે આ સાચું નથી? કોણ પૂરવાર કરી શકશે કે મારા શબ્દો ખોટા છે?” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International