અયૂબ 22 - પવિત્ર બાઈબલઅલીફાઝનો ત્રીજો સંવાદ 1 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે, 2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો? 3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો? 4 અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે? તું તેની ઉપાસના કરે છે એટલા માટે? 5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે, તારાં પાપ પાર વિનાનાં છે. 6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય. કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય. તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે. 7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય. 8 અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો. અને લોકો તમને માન આપે છે. 9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે. તમે કદાચ અનાથોને છેતર્યા છે. 10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે. 11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી, અને પુરના પાણી તને ઢાંકી દે છે. 12 “શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી? તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે. 13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે? કાળા વાદળોની આરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે? 14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે, ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’ 15 “અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા. 16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે તે પહેલાંજ નાશ પામી ગયા હતા. 17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ; સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’ 18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના! હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી. 19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે. અને નિર્દોષો દુષ્ટો પર હસશે. 20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે. અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’ 21 “અયૂબ, હવે તું તારી જાત દેવને સમર્પિત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે. 22 કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર. એની વાણી તારા હૃદયમાં ધારણ કર! 23 જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે. પાપને તારા ઘરથી દૂર રાખજે. 24 જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ અને કંચનને કથીર સમાન માનીશ, 25 ભલે સર્વસમર્થ દેવ તારું સોનું અને ચાંદીનો સંગ્રહ બને. 26 તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે. અને તું દેવ સામે નજર મેળવીશ. 27 તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે, અને પછી તું તારી માનતાઓ પૂરી કરી શકીશ. 28 તારી સર્વ યોજનાઓ સફળ થશે. તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે. 29 દેવ અભિમાનીને પાડે છે અને નમ્રને બચાવે છે. 30 તે જેઓ નિર્દોષ નથી તેઓને પણ ઉગારે છે, તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International