અયૂબ 2 - પવિત્ર બાઈબલશેતાન દ્વારા ફરી અયૂબને દુ:ખ આપવું 1 ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. 2 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?” શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.” 3 યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કર્મો કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર, અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.” 4 શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે. 5 તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.” 6 પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.” 7 પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો. 8 તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો. 9 તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!” 10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. અયૂબના મિત્રોનું આગમન અને આશ્વાસન 11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં. 12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International