અયૂબ 18 - પવિત્ર બાઈબલબિલ્દાદ શૂહીનો જવાબ 1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે, 2 “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ. 3 તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો? 4 અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે? 5 “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે. 6 તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે. 7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે. 8 તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે. 9 ફાસલો તેના પગની પાની પકડી લે છે, એના પાશમાં તે જકડાઇ જાય છે. 10 જમીન પર જાળ સંતાઇને પડી હશે, તેનાં માર્ગમાં એ પાથરેલી હશે. 11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે. 12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે. વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે. 13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે. એના હાથ, પગ કોહવાઇ જશે. 14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે. 15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે. 16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે. 17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ. 18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે. 19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે. 20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું. અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે. 21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે, જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International