અયૂબ 17 - પવિત્ર બાઈબલ1 “હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે. હું જીવનને આરે આવી ઊભો છું, હવે કબર સિવાય મારે માટે કોઇ મારી રાહ જોતું નથી. 2 મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે; અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું. 3 “દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો. બીજુ કોઇ મને આધાર નહિ આપે. 4 હે દેવ, તમે જ તેઓને આ સમજવા દીધું નથી, તેથી તમે તેઓને જીતવા દેશો નહિ. 5 તમે જાણો છો, લોકો શું કહે છે, ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’ 6 દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે. 7 દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે, અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે. 8 ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે. નિર્દોષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે. 9 છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે. 10 “પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો, મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે. 11 મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે. મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે. 12 પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે, અંધકાર હોવા છતાં તેઓ કહે છે, ‘પ્રકાશ નજીકમાં છે.’ 13 “હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને. હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું. 14 મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’ મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’ 15 તો પછી હવે, મારે માટે કોઇ આશા રહી ખરી? કોણ જોશે, મારા માટે કોઇ આશા છે કે નહિ? 16 મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું?” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International