Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 16 - પવિત્ર બાઈબલ


અયૂબનો પ્રત્યુતર

1 ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો,

2 “આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે. તમારો તો આશ્વાસન પણ ત્રાસદાયક છે.

3 શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કર્યા કરો છો.

4 જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત. મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત.

5 માત્ર મૌખિક રીતેજ હું તમને હિંમત આપી શક્યો હોત, માત્ર મારા હોઠ ફફડાવીને જ હું તમને આશ્વાસન આપી શક્યો હોત.

6 “જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?

7 સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે, તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.

8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે! લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે.

9 “દેવ મારા પર હુમલો કરે છે, તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે. દેવ મારી સામે તેના દાંત પીસે છે. મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે.

10 લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે. તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે.

11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે; તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે.

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.

13 દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે. તેઓ મારુ હૃદય ફાડી નાખે છે. તે દયા દાખવતા નથી. તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે.

14 મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે અને યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.

15 “હું ખૂબ ઊદાસ છું તેથી મે આ શોકના વસ્ત્રો પહેર્યા છે, હું અહી ધૂળ અને રાખ પર હાર માનીને બેઠો છું.

16 હું કોઇ ઉપર ક્રૂર થયો ન હતો. મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે.

17 રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.

18 “હે પૃથ્વી ન્યાય માટે તલસતાં મારા લોહીને તું ઢાંકી દઇશ નહિ. મારી ફરિયાદ માટે પોકારતાં મારા અવાજને તું દાટી દઈશ નહિં.

19 હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે. ઉપર કોઇ છે જે મારી સાક્ષી પૂરશે.

20 મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે હું દેવ આગળ આંસુ રેડું છું.

21 જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે તેમ દેવ સામે મારા માટે બોલે છે.

22 “થોડાજ વર્ષો માં હું એ જગ્યાએ જઇશ જ્યાંથી હું પાછો ફરવાનો નથી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan