અયૂબ 14 - પવિત્ર બાઈબલ1 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે. 2 જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે. 3 શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો? શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે? 4 “અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે. 5 તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ; તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. 6 તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો. અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ અમને અમારા વળતરનો આનંદ માણવા દો. 7 “ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે. 8 તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય. 9 તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે. 10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે. 11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે; 12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય પાછો ઊઠતો નથી; જ્યાં સુધી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી માણસ ફરીથી તેની ઊંઘમાંથી જાગશે નહિ. 13 “હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું! 14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો? જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ. 15 દેવ તમે મને બોલાવશો ત્યારે હું તમને જવાબ આપીશ. પછી હું જેનું તમે સર્જન કર્યું છે, તમારા માટે મહત્વનો હોઇશ. 16 પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો, પણ મારા દુષ્કૃત્યો તમને યાદ નહિ આવે. 17 તમે મારા પાપોને એક થેલામાં બાંધશો, અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો! 18 “પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે. 19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે. પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ, તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો. 20 તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો અને પછી તે દૂર ચાલ્યો જાય છે. તમે તેને ઉદાસ બનાવીને દૂર મોકલી દો છો. 21 તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી; અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે. 22 તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે અને મોટેથી પોતાના માટે રડે છે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International