Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 13 - પવિત્ર બાઈબલ

1 અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું તો મેં મારા કાનેથી સાંભળ્યું છે, અને મારી આંખોએ જોયું છે અને હું એ બધું સમજું છું.

2 તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ. તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું.

3 પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે.

4 તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.

5 તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું! કારણકે એમાં તમારું ડહાપણ જણાત.

6 “હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો.

7 શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.

8 શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો? તમે પક્ષપાત કરો છો તમે દેવનો પક્ષ પસંદ કરો છો કારણકે તે દેવ છે એટલા માટે.

9 સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધું તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો?

10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે.

11 દેવની મહાનતા તમને નહિ ડરાવે તમે તેનાથી કરશો નહિ?

12 તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.

13 “હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો.

14 ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું.

15 આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે, હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.

16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી.

17 હવે તમે મારી વાત સહેજ ધ્યાનથી સાંભળો.

18 હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિર્દોષ છૂટીશ.

19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ.

20 “હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ.

21 મને સજા કરવાનું બંધ કરો અને મને ડરાવવાનું બંધ કરો!

22 પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો.

23 મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો.

24 શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો? શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો?

25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો? શું તમે સૂકા નિરર્થક તણખલાની પાછળ પીછો કરશો? હું તો એવો છું.

26 તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો;

27 હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો, તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો, અને મારું એકેએક ડગલું તપાસો છો.

28 જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan