Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 12 - પવિત્ર બાઈબલ


અયૂબનો ઉત્તર

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,

2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!

3 પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું?

4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે.

5 જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે. સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે.

6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.

7 “પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે, જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

8 અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.

9 દરેક વ્યકિત જાણે છે કે આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે.

10 બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે.

11 જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે.

12 અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’

13 પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે. સમજ અને સત્તા તો તેની પાસે જ છે.

14 તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી. જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી.

15 જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે.

16 દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે. છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.

17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે.

18 રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે, અને તેમને શકિતશાળી બનાવે છે.

19 તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.

20 વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે, અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.

21 દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.

22 દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે, તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે.

23 તે રાષ્ટને મોટું બનાવે છે પછી તેના લોકોને વિખેરી નાખે છે.

24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા,

25 ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan