Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 10 - પવિત્ર બાઈબલ

1 “હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ. હું દુ:ખ અને કડવાશથી બોલીશ.

2 હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો.

3 દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?

4 શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે?

5 શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે? તમારું જીવન માણસના જીવન જેટલું ટૂંકુ છે

6 કે તમે મારી ભૂલ શોધો છો અને મારા પાપ શોધો છો.

7 તમે સારી રીતે જાણો છો કે હું નિર્દોષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.

8 તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે, પરંતુ હવે તેઓ ભેગા થઇને મારો વિનાશ કરે છે.

9 યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?

10 તમે મને એક બાટલીમાંથી બીજીમાં એમ દૂધની જેમ રેડ્યો છે અને મને પનીરની જેમ વલોવો છો.

11 તમે મને ચામડી અને માંસથી મઢી લીધો. તમે મને હાડકાં અને સ્નાયુઓથી વણી લીધો છે.

12 તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં, તમે મારું ધ્યાન રાખ્યું અને મારા આત્માનું રક્ષણ કર્યું.

13 છતાં તમારા હૃદયમાં તો તમે આ છુપાવ્યું હતું. હું જાણું છું કે તમારા મનમાં આ હતું:

14 તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.

15 જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે. પણ જો હું નિર્દોષ હોઇશ તો પણ હું મારું માથું ઊપર ઉઠાવી શકીશ નહિ. હું ખૂબજ શરમિંદો અને મુંઝાયેલો છું.

16 જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો અને ફરીથી તમે મારી સામે તમારી અદભૂત શકિત બતાવો છો.

17 તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો: અને મારો સામનો કરવા એક પછી એક સૈન્ય મોકલો છો.

18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો? એના કરતાં તો હું મૃત્યુ પામ્યો હોત, કોઇએ મને જોયો સુદ્ધાં ન હોત તો એ કેવું સારું થાત!

19 હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત! હું ઈચ્છું છું કે હું મારી માતાના ગર્ભમાંથી સીધો કબરમાં લઇજવાયો હોત.

20 તમને ખબર નથી કે હું હવે થોડા સમય માટે જીવવાનો છું?

21 મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી ત્યાં હું જાઉ તે પહેલા મારી પાસે જે થોડો સમય બચ્યો છે તેનો આનંદ મને માણી લેવા દો.

22 આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે; એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.’”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan