Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 7 - પવિત્ર બાઈબલ


અયોગ્ય ઉપાસના-વ્યર્થ પૂજા

1 પછી યહોવાએ યર્મિયાને કહ્યું,

2 “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર;

3 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ.

4 પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.”

5 કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

6 અને જો તમે વિદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો, અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ દોડી તમારો પોતાનો જ વિનાશ ન નોતરો;

7 તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.

8 “‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે?

9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો.

10 અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે!

11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.’” આ હું યહોવા બોલું છું.

12 “મારું સ્થાન એક વખત ‘શીલોહમાં હતું ત્યાં જાઓ, જ્યાં મારું પ્રથમ નિવાસસ્થાન હતું. અને જોઇ આવો કે મારા લોકો ઇસ્રાએલીઓની દુષ્ટતાને કારણે મેં તેના શા હાલ કર્યા છે!

13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો.

14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ “શીલોહ”માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ.

15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”

16 યહોવાએ મને કહ્યું, “યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી.

17 તું જોતો નથી કે યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે?

18 આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય?

19 શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? ખરું જોતાં તેઓ પોતાનું જ અપમાન કરતાં નથી? પોતે જ શરમજનક નામોશી વહોરી લેતા નથી?”

20 તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.”


યહોવા યજ્ઞ કરતા પોતાની ઉપાસના વધું ઇચ્છે

21 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ.

22 કારણ કે તમારા પિતૃઓને હું મિસરમાંથી લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને દહનાર્પણ અને યજ્ઞ વિષે કશુંય નહોતું કહ્યું કે, કોઇ આજ્ઞાય ફરમાવી નહોતી; ફકત મેં તેઓને કહ્યું હતું;

23 ‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’

24 “પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા.

25 તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત મેં મારા સેવકો પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છે.

26 છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો.

27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ.

28 માટે તું એમને કહેજે, ‘આ એ પ્રજા છે જે પોતાના દેવ યહોવાનું સાંભળતી નથી કે સુધરતી નથી; સચ્ચાઇ મરી પરવારી છે; એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી.’


કતલની ખીણ

29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે.

30 આવુ બન્યું કારણકે યહૂદિયાના લોકોએ મારી સામે એવું શરમજનક કૃત્ય કર્યું છે, કે તે મને ગમ્યું નથી, તેમણે મારું નામ ધરાવતા મંદિરમાં ઘૃણાસ્પદ મૂર્તિઓ મૂકી એને તેને અશુદ્ધ કર્યું છે.

31 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.”

32 “એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમની ખીણ’ નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે.

33 પછી એ લોકોના મૃતદેહોને આકાશના પંખીઓ અને જંગલી પશુઓ ખાશે અને તેમને ડરાવીને હાંકી મૂકનાર કોઇ નહિ હોય,

34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan