Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 46 - પવિત્ર બાઈબલ


રાષ્ટ્રો વિષે યહોવાનો સંદેશ

1 જુદા જુદા રાષ્ટ્રો વિષે યર્મિયાને આ સંદેશા આપવામાં આવ્યા હતા.


મિસર વિષે સંદેશ

2 મિસર વિષે મિસરના રાજા ફારુનની સૈનાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ફ્રાંત નદીને કાંઠે આવેલા કાર્કમીશ ખાતે યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ચોથા વર્ષ દરમ્યાન હરાવી હતી તે પ્રસંગે મિસરની વિરુદ્ધ આ સંદેશો આપવામાં આવ્યો હતો.

3 “હે મિસરના લોકો, તમે તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.

4 ઘોડાઓ પર જીન બાંધો અને તેના પર સવાર થઇ જાઓ! તમે ટોપ પહેરીને સજ્જ થાઓ! ભાલાઓની ધાર તીણી કરો! બખતર ધારણ કરો!

5 પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું.

6 “ખૂબ અતિ ઝડપથી દોડનાર કે અતિ શૂરવીર સૈનિકો પણ બચી શકે નહિ, ઉત્તર તરફ યુફ્રેતીસ નદી પાસે તેઓ ઘવાઇને પડ્યા છે.

7 નીલ નદીના પૂરની જેમ સમગ્ર દેશમાં ફેલાઇ જતું આ શૂરવીર સૈન્ય કોણ છે?

8 મિસર નીલ નદીની જેમ ઉભરાય છે, જેમ નદીઓ તેમના કાંઠા પર પૂરથી ફરી વળે છે. તે કહે છે, ‘હું ઉપર ચઢીશ અને આખી પૃથ્વીને ઢાકી દઇશ, હું શહેરોને અને તેના વતનીઓને તાણી જઇશ.’

9 તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો, અને શૂરવીર યોદ્ધાઓ, આવો! ક્રૂશના અને પુરના અને લૂદોના ઢાલ ધારણ કરેલા ધનુર્ધારીઓ, તમે સર્વ આવો!”

10 “કારણ કે આજે અમારા પ્રભુ યહોવાનો દિવસ છે, આજે તેનો વૈર લેવાનો, પોતાના દુશ્મનો ઉપર વૈર લેવાનો દિવસ છે. આજે તેની તરવાર ધરાઇ ધરાઇને તેમને ખાઇ જશે અને તૃપ્ત થતા સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાએ ઉત્તરમાં ફાંત નદીને કિનારે યજ્ઞ માંડ્યો છે.

11 “હે મિસરની કુમારિકાઓ, ગિલયાદ જાઓ અને થોડી ઔષધી લો. તમે ઘણી ઔષધી લીધી પણ તમે સ્વસ્થ નહિ થાઓે.

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સાંભળી છે. નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; તારા ‘શૂરવીર યોદ્ધાઓ’ અંદર અંદર અથડાય છે અને બંને સાથે ભોંય પર પછડાય છે.”

13 યહોવાએ યર્મિયા પ્રબોધકને નબૂખાદનેસ્સાર માટે આમ કહ્યું, બાબિલના રાજા મિસરની ભૂમિ પર હુમલો કર.

14 “મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમજ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, ‘હોશિયાર! તૈયાર! તમારી આસપાસ તરવાર વિનાશ સર્જી રહી છે.’

15 શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા? તેઓ સામનો ન કરી શક્યા, કારણ કે યહોવાએ તેમને તેમના શત્રુઓની સામે ચત્તાપાટ કરી દીધા હતાં.

16 તેણે તેઓને લથડતા કરી દીધા છે. આથી શુ વધારે છે, તેઓ એક બીજા પર પડીને કહેવા લાગ્યા કે, ‘ચાલો, ઘરે જઇએ, કારણ કે તરવાર આપણને મારી નાખશે.’

17 મિસરના ફારુનનું નામ આપો, ‘શકિતહીન, જે ડંફાસ તો બહુ મારે છે; પણ અણીને વખતે કરતો કશું નથી.’”

18 હું રાજાનો રાજા સૈન્યોનો દેવ યહોવા, “મારા જીવના સમ ખાઇને કહું છું; પર્વતોમાં જેવો તાબોર, સાગર સમીપે જેવો કામેર્લ તેવું બનશે.

19 હે મિસરના પ્રજાજનો, તમારો સામાન બાંધો અને બંદીવાસ જવાને તૈયાર થાઓ. કારણ કે મેમ્ફિસ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિવિહીન તથા ઉજ્જડ થશે.

20 “મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી. પણ ઉત્તરમાંથી એક અશ્વમાખ આવીને તેને ડંખ મારશે અને તેને દોડાવશે!

21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.

22 સાંભળો, નાસી જતા સર્પ જેવો મિસર અવાજ કરે છે; કારણ કે એના દુશ્મન જોરશોરથી ધસતા તેની સામે આવે છે, તેઓ વૃક્ષો તોડી પાડનારા લોકોની જેમ કુહાડા લઇ તેના પર આવે છે.” આ યહોવાના વચન છે.

23 “જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય! તેમ તેઓ તેના ગાઢા જંગલો કાપી નાખે છે. કારણ કે તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ ગણ્યાં ગણાય એમ નથી.

24 મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે, ઉત્તરના લોકોએ તેમને તેમના ગુલામ બનાવ્યા છે.”

25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે, “હવે હું નોશહેરના દેવ આમોનને, મિસરને, તેના દેવોને અને રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓને સજા કરનાર છું.

26 હું તેમને તેમનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સુપ્રત કરી દઇશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” આ હું યહોવા બોલું છું.


ઉત્તરીય ઇસ્રાએલ માટે સંદેશ

27 “હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ! તમારે ડરવાની જરૂર નથી. કારણ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઇ તમને ડરાવશે નહિ.”

28 યહોવા કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઇશ નહિ, કારણ, હું તમારી પડખે છું. જુદી જુદી પ્રજાઓની વચ્ચેં મેં તમને દેશવટો દીધો છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ચોક્કસ તમને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.” આ યહોવાના વચન છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan