Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 36 - પવિત્ર બાઈબલ


રાજા યહોયાકીમે યર્મિયાના ઓળિયાને બાળ્યું

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું આ વચન યર્મિયાની પાસે આવ્યું.

2 “યોશિયાના શાસનમાં જ્યારે હું તારી સાથે પહેલી વાર બોલ્યો હતો ત્યારથી માંડીને આજસુધી મેં તને ઇસ્રાએલ અને યહૂદિયા તેમજ બીજી પ્રજાઓ વિષે જે જે કઇં કહ્યું હતું તે બધું એક ઓળિયું લઇને તેના પર લખી નાંખ.

3 કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ જાણવા પામે અને ખોટે રસ્તે જવાનું છોડી દે, તો હું તેમનાં દુષ્કૃત્યો અને પાપ માફ કરું.”

4 તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારૂખે બધા ભવિષ્યવચનો લખ્યાં.

5 ત્યારબાદ યર્મિયાએ બારૂખને આ પ્રમાણે કહ્યું, “મને યહોવાના મંદિરમાં જવાનો નિષેધ છે.

6 માટે, તું ચોક્કસ જા અને મે તને જે યહોવાના વચનો લખાવ્યા છે તેને તું, એ બધા લોકોની સામે જે ઉપવાસના દિવસે મંદિરમાં આવ્યાં છે. તેની સામે વાંચ, ઉપરાંત તારે યહૂદિયાના સર્વ લોકો જેઓ પોતાના ગામમાંથી આવ્યા છે તેમની સામે પણ જરૂર વાંચવું.

7 કદાચ તે લોકો યહોવાને આજીજી કરે અને ખોટે માર્ગેથી પાછા વળે; કારણ, યહોવાએ એ લોકોને ભારે રોષ ને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”

8 યર્મિયાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના પુત્ર બારૂખે કર્યું અને મંદિરમાં લોકોની આગળ સર્વ સંદેશાઓ વાંચી સંભળાવ્યાં.

9-10 યોશિયાના પુત્ર યહોયાકીમ રાજાના અમલ દરમિયાન પાંચમા વર્ષે નવમા મહિનામાં યરૂશાલેમના બધા લોકોએ તેમજ યહૂદિયાનાં ગામોમાંથી ત્યાં આવેલા બધા માણસોએ યહોવા સમક્ષ ઉપવાસ પાળ્યો. એ વખતે યહોવાના મંદિરમાં બધા લોકોના સાંભળતા બારૂખે યર્મિયાના વચનો વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાના ઓરડામાંથી તેણે આ વચનો વાંચી સંભળાવ્યાં, એ ઓરડો મંદિરના નવા દરવાજાના ઓટલા આગળ ઉપલા ચોકમાં આવેલો હતો.

11 શાફાનના પુત્ર ગમાર્યાના પુત્ર મીખાયાએ યહોવા તરફથી આવેલા આ સંદેશાઓ સાંભળ્યાં.

12 ત્યારે તે નીચે ઊતરીને મહેલનાં વહીવટી સભાખંડમાં ગયો. અલીશામા મંત્રી ત્યાં હાજર હતો. અને તેની સાથે શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા બીજા બધા અમલદારો પણ ત્યાં હાજર હતાં.

13 બારૂખ લોકોની સમક્ષ વાંચતો હતો તે સંદેશાઓ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યું.

14 પછી અમલદારોએ કૂશીના પુત્ર, શેલેમ્યાના પુત્ર, નથાન્યાના પુત્ર યેહૂદીને મોકલી બારૂખને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું લઇને અહીં આવ.”

15 તેથી બારૂખ ઓળિયું લઇને તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું, “મહેરબાની કરીને બેસ અને એ ઓળિયું અમને વાંચી સંભળાવ.” આથી બારૂખે તેમને તે વાંચી સંભળાવ્યું.

16 બારૂખે તેમની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારૂખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઇએ.”

17 પરંતુ પહેલા તું અમને જણાવ કે, આ સંદેશાઓ તારી પાસે કેવી રીતે આવ્યા: “શું યર્મિયાએ પોતે આ સંદેશાઓ તને લખાવ્યા હતા?”

18 તેથી બારૂખે ખુલાસો કર્યો, “યર્મિયાએ મને શબ્દે શબ્દ લખાવ્યો અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધો.”

19 પછી અધિકારીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઇને પણ જાણ કરશો નહિ!”

20 ત્યારબાદ અધિકારીઓએ મંત્રી અલીશામાની ઓરડીમાં તે ઓળિયાને સંતાડી દીધું અને તેઓ રાજાને તેની વાત કરવા ગયા.

21 રાજાએ યેહૂદીને ઓળિયું લઇ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું મંત્રી અલીશામાની ઓરડીમાંથી લઇ આવ્યો અને રાજાને તે વાંચીને સંભળાવ્યું. તે વખતે બધા અમલદારો રાજાની આજુબાજુ ઊભેલા હતા.

22 તે સમયે રાજા તેના મહેલના શિયાળું ખંડમાં બેઠા હતા. નવમો મહિનો ચાલતો હતો. તેની આગળ સગડીમાં લાકડા બળતાં હતાં.

23 યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું.

24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પશ્ચાતાપમાં કપડાં ફાડ્યાં;

25 જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ટઓળિયું ન બાળવા કહ્યું હતું, પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું.

26 પછી રાજાએ બારૂખ તથા યર્મિયાને પકડવા માટે યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાએ તેઓને સંતાડી રાખ્યા હતા.

27 રાજાએ ઓળિયાને બાળી નાખ્યું, પછી યહોવાએ યર્મિયાને કહ્યું:

28 “બીજું ઓળિયું લઇને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાના ઓળિયામાં જે લખ્યું હતું તે બધું લખી કાઢ.

29 અને યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે, ‘આ યહોવાના વચન છે: “તે પોતે આ ઓળિયું બાળીને યર્મિયાને એમ કહીને ઠપકો આપ્યો છે કે, તું આવું તો કેવી રીતે કહી શકે કે, બાબિલનો રાજા આ દેશમાં ચોક્કસપણે આવી જે અહીંના માણસોનો અને પશુઓનો સંહાર કરી નાખશે?”

30 આથી હું યહોવા તને કહું છું કે તારા પછી દાઉદની ગાદીએ બેસનાર કોઇ વંશજ તારો રહેશે નહિ, અને તારું શબ દિવસના બળબળતા તાપમાં અને રાત્રીની કડકડતી ઠંડીમાં બહાર ફેકી દેવામા આવશે.

31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેમનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ, અને તમારા પર, યરૂશાલેમના વતનીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે જે અનિષ્ટ લાવવાની ધમકી આપી હતી તે તમારી પર અવશ્ય ત્રાટકશે, મેં તેઓને ધમકી આપી હતી પણ તેમણે સાંભળ્યું નહિ.’”

32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan