Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 35 - પવિત્ર બાઈબલ


નિષ્ઠાવાન રેખાબીઓ

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો:

2 “રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”

3 આથી હું હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઅઝાન્યાને તથા તેના સર્વ ભાઇઓ અને પુત્રોને એટલે કે રેખાબીના સર્વ કુટુંબોના પ્રતિનિધિઓને મળવા ગયો.

4 મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો.

5 પછી મેં તેઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને તે પીવા માટે આમંત્રણ આપ્યું.

6 પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ;

7 વળી તેમણે અમને એમ પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવા નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમજ દ્રાક્ષાવાડીઓ રોપવી નહિ, તમારે એવી કોઇ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; તે પછી તમે આ ભૂમિમાં જ્યાં તમે વિદેશીઓ તરીકે રહો છો, લાંબા સમય સુધી જીવશો.’

8 અમે આ સર્વ અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે કહ્યા પ્રમાણે કર્યુ છે. ત્યારથી અમે, અમારી પત્નીઓએ, અમારા પુત્રો કે પુત્રીઓ અને અમે પોતે કદી દ્રાક્ષારસ પીતા નથી.

9 અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી.

10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે,

11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.”

12 ત્યારબાદ યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:

13 ઇસ્રાએલના દેવ યહોવા કહે છે કે: “યહૂદિયા અને યરૂશાલેમમાં જઇને કહે કે, શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?” આ યહોવાના વચન છે.

14 “રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઇ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતા નથી કે આધીન પણ થતાં નથી.

15 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ.

16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”

17 અને તેથી હું કહું છું: “મેં જે જે આફતોની ધમકી આપી છે તે બધી હું યહૂદિયા અને યરૂશાલેમના વતનીઓ પર ઉતારીશ. કારણ, મેં તેમને કહ્યું ત્યારે તેમણે સાંભળ્યું નહિ, અને મેં તેમને હાંકલ કરી ત્યારે તેમણે મને જવાબ ન આપ્યો.” આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

18 પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે કે, ‘તમે તમારા પિતૃઓ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે;’

19 માટે સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.’”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan