Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 34 - પવિત્ર બાઈબલ


યહૂદાના રાજા સિદકિયાને ચેતવણી

1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે દેશો પર રાજ્ય કરતો હતો તે સર્વ સૈન્યો સાથે ચઢી આવ્યો અને યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો સાથે યુદ્ધ કર્યું. તે સમયે યર્મિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો:

2 “ઇસ્રાએલના દેવ યહોવાના આ વચનો છે: જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, આ મારાં વચન છે: ‘હું આ યરૂશાલેમ શહેર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને બાળી મૂકશે.

3 તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે.

4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ.

5 પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”’” આ યહોવાના વચન છે.

6 તેથી પ્રબોધક યર્મિયાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું.

7 તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું.


લોકોએ એક કરાર તોડ્યો

8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ.

9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો.

10 કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં.

11 પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.

12 એ વખતે યરૂશાલેમમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ;

13 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે,

14 ‘તમે જે જાતભાઇને ગુલામ તરીકે ખરીદેલો હોય અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.

15 મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો.

16 પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં.

17 “‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે.

18 જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં.

19 તે લોકોને એટલે યહૂદિયાના તથા યરૂશાલેમના સરદારોને, ત્યાંના અધિકારીઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઇને ગયેલી દેશની સર્વ પ્રજાને.

20 હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે.

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ.

22 હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.’” આ યહોવાના વચન છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan