Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 30 - પવિત્ર બાઈબલ


શિક્ષા પછી પુન:સ્થાપનનું વચન

1 યહોવા પાસેથી યર્મિયાને બીજો સંદેશો મળ્યો.

2 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે.

3 કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.”

4 ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે:

5 આ યહોવાના વચન છે: “મેં ભયની એક ચીસ સાંભળી છે, નહિ કે શાંતિની.

6 “તમારી જાતને પૂછો, વિચાર કરો કે કોઇ પુરુષ બાળકને જન્મ આપી શકે? તો પછી હું કેમ દરેક માણસને પ્રસૂતિએ આવેલી સ્ત્રીની જેમ કમરે હાથ દેતો જોઉં છું? બધાના ચહેરા કેમ બદલાઇ ગયા છે, ધોળા પૂણી જેવા થઇ ગયા છે?

7 “અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, યાકૂબના વંશજો માટે દુ:ખના દહાડા આવે છે. પણ તેઓ સાજાસમા પાર ઊતરશે.”

8 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે,

9 તેઓ પોતાના દેવ યહોવાની અને દાઉદની જેના એક વંશજને હું તેમનો રાજા બનાવનાર છું. તેની સેવા કરશે. એમ યહોવા કહે છે.

10 “અને તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. રે ઇસ્રાએલીઓ, તમારે ભય રાખવાની જરૂર નથી. હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો, કોઇ તમને ડરાવશે નહિ,

11 કારણ કે હું તમારી સાથે છું અને હું તમારો બચાવ કરીશ,” એમ યહોવા જણાવે છે. “તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા હતા તે લોકોનો પણ જો હું સંપૂર્ણ રીતે વિનાશ કરું તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને તેવી જ રીતે અનુશાશિત કરીશ અને તમે સાચે જ સજાથી ભાગી નહિ શકો.”

12 યહોવા પોતાની પ્રજાને કહે છે, “હે મારી પ્રજા, તારો ઘા રૂઝાય એવો નથી, તારો ઘા જીવલેણ છે;

13 તમારુ અહીંયા કોઇ નથી જે તમારા બાબતે ન્યાય કરી શકે, તમારા ઘા ની કોઇ દવા નથી. તેથી તમે સ્વસ્થ નહિ થઇ શકો.

14 તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. હવે તેઓ તારી સંભાળ રાખતા નથી. કારણ કે મેં તને કોઇ શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઇજા પહોંચાડી છે. કારણ કે તારાં પાપ ઘણા વધી ગયા છે અને તે તારો ઘણો મોટો અપરાધ છે.

15 તારા ઘા વિષે રોક્કળ કરવાથી શું? તે ઘા રૂજાય એવો નથી, તારા અપરાધો ખૂબ જ નિંદાત્મક છે જેને લીધે તારા દુ:ખનો અંત આવશે નહિ! તારા પાપો ઘણા મોટા છે માટે તને વધુ શિક્ષા કરવાની મને ફરજ પડી.

16 પણ હવે એ દિવસ આવી રહ્યો છે, તે દિવસે તને કોળિયો કરી જનારાઓ જ કોળિયો થઇ જશે. તારા બધા શત્રુઓને કેદ કરવામાં આવશે, તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઇ જશે.

17 હાં હું તને તારી તંદુરસ્તી પાછી આપીશ અને તારા ઘાને રૂજાવીશ, કારણ કે તારા શત્રુઓ કહેતા કે, ‘સિયોન તો ખંડેર બની ગયું છે, કોઇને તેની પડી નથી.’” આ હું યહોવા બોલું છું.

18 યહોવા કહે છે, “જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે; યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે.

19 બધા નગરો આનંદ તથા આભારસ્તુતિના અવાજોથી ગૂંજી ઊઠશે. હું મારા લોકોની વૃદ્ધિ કરીશ અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.

20 તેમનો સમાજ પાછો પહેલાના જેવો થશે; તે મારી નજર સમક્ષ વ્યવસ્થિત થશે, અને એમના બધા અન્યાયીઓને હું સજા કરીશ.

21 તેઓને ફરીથી પોતાનો રાજા મળશે, જે પરદેશી નહિ હોય, હું તેને મારી પાસે બોલાવીશ, અને તે મારી પાસે આવશે. કારણ કે વગર આમંત્રણે મારી પાસે આવવાની કોની હિંમત છે?

22 તમે મારા લોક થશો અને હું તમારો દેવ થઇશ.”

23 “જુઓ યહોવાનો ક્રોધ, દુષ્ટોના માથાને અથડાઇને, ઝંજાવાતથી ઘુમરાતા વંટોળની માફક ગર્જના કરતો ધસી રહ્યો છે.

24 યહોવાની યોજના પ્રમાણે ભયંકર વિનાશ પ્રવર્તશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, હું જે તમને કહી રહ્યો છું તે ભવિષ્યમાં તમને સમજાશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan