Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 21 - પવિત્ર બાઈબલ


યરૂશાલેમની હારની ભવિષ્યવાણી

1 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,

2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”

3 ત્યારે યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે,

4 ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.

5 “‘કારણ, હું જાતે ભારે રોષ અને ક્રોધપૂર્વક પૂરા બળ અને પરાક્રમથી તમારી સામે ઝઝુમીશ.

6 આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે.

7 અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’

8 “તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.

9 જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ.

10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.’” આ યહોવાના વચન છે.

11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે: ‘ધ્યાનથી સાંભળ!

12 હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો, જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવ, નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે મારો રોષ ભભૂકી ઊઠશે અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે તે હોલવ્યા વગર ભડભડયા કરશે.’

13 “અરે, હે યરૂશાલેમ હું તારી વિરુદ્ધ થઇ ગયો છું. ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું તું એમ કહે છે કે, ‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે, કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’” આ યહોવાના વચન છે.

14 “પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ. એમ યહોવા કહે છે: હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan